અધિક માસના પવિત્ર અવસરે સેવાભાવના કાર્યોને પ્રાધાન્ય આપતાં અનેક શ્રદ્ધાળુઓ અને સેવાભાવીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામો, પાલારા-કચ્છ ખાતે પહોંચી માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનો તેમજ વૃદ્ધ વડીલોને સ્વહસ્તે ભોજન કરાવી અનોખી માનવસેવા અર્પણ કરી હતી.
અધિક માસની સોમવતી અમાસ નિમિતે વિવિધ મહિલા મંડળો, ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટો અને સેવાભાવી ગ્રુપોના સભ્યો આશ્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આશ્રમવાસીઓને જરૂરી ઉપયોગી વસ્તુઓ અર્પણ કરી તેમજ પ્રેમ અને આત્મીયતા સાથે ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે સેવાભાવ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
અધિક માસ દરમિયાન આશ્રમના ભાઈ-બહેનોએ ધાર્મિક પ્રવૃત્તિઓ, સત્સંગ અને ભજન-કીર્તનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજના સમયે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભજનોની રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો.
આ સેવાકાર્યમાં ભુજ સ્વામિનારાયણ મંદિર, કબીર મંદિર-ભુજ, કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, ક્રિશિવ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ, પિંગલેશ્વર પૂનમ ગ્રુપ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ, જુની ઉમેદનગર સખી મહિલા મંડળ, કેરા દરબારગઢ મહિલા મંડળ, આઇયાનગર મહિલા મંડળ-માધાપર, શિવ મહિમ્ન ગ્રુપ-ભુજ, સુરજપર મહિલા મંડળ, મહાકાળી મહિલા મંડળ ભુજ-વર્ધમાનનગર સહિત અનેક ગ્રુપો, મંડળો, ટ્રસ્ટો અને દાતાશ્રીઓ જોડાયા હતા અને સેવાનો લાભ લીધો હતો.
કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, સહદેવસિંહ જાડેજા, પંકજ કુરવા, દિલીપ લોડાયા, વિનોદ મારાજ, રીતુબેન વર્મા, મનીષ મારાજ, વાલજી કોલી તથા સર્વે
કાર્યકરોએ સંભાળી હતી.
અધિક માસના પવિત્ર અવસરે યોજાયેલ આ સેવાકાર્યે માનવસેવા એ જ પ્રભુસેવા છે તે સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.

