માનવજ્યોત સંસ્થા, ભુજને આર.ટી.ઓ. સર્કલ પાસેથી આશરે 22 વર્ષનો એક યુવાન મળી આવ્યો હતો. યુવાનના જમણા હાથની ત્રણ આંગળીઓમાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમાં ગેન્ગ્રીન જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આંગળીઓમાંથી દુર્ગંધ પણ આવતી હતી. જેથી માનવજ્યોત સંસ્થાએ તાત્કાલિક તેની સારવાર માટે તેને જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
તબીબી તપાસ બાદ આંગળીઓ કાપવાની જરૂરિયાત ઊભી થતાં માનવજ્યોત સંસ્થા પણ ચિંતામાં મુકાઈ હતી. યુવાનનો હાથ બચાવી શકાય અને શક્ય તેટલી સારી સારવાર મળી રહે તે માટે સંસ્થા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગંભીર તબીબી સ્થિતિને ધ્યાનમાં લેતાં આંગળીઓ કાપવાની પ્રક્રિયા પણ જોખમી બની શકે તેમ હતી. દરમિયાન યુવાન પાસેથી મળેલી માહિતીના આધારે માનવજ્યોત સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ બિહાર પોલીસની મદદથી તેના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. સતત પ્રયાસોના પરિણામે તેના પરિવારજનોનો સંપર્ક થતાં તેની માતા અને ભાઈ ભુજ આવી પહોંચ્યા હતા.
ભુજની ઓધવરામ સર્જીકલ હોસ્પિટલના સેવાભાવી તબીબ ડો. રાજેશભાઈ ગોરીએ પણ માનવતાના ધોરણે યુવાનની સારવાર કરી હતી. સારવારથી યુવાનને દર્દમાં રાહત મળી હતી. ત્યારબાદ તેના પરિવારજનો તેને હેમખેમ બિહાર લઈ ગયા હતા.
એક નિરાધાર અને ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અપાવી તેના પરિવાર સુધી પહોંચાડવાના આ માનવતાભર્યા કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી અને રફીક બાવા સહભાગી બન્યા હતા.
માનવજ્યોત સંસ્થાના આ પ્રયાસથી એક નિરાધાર અને મુશ્કેલીમાં મુકાયેલા યુવાનને માત્ર સારવાર જ નહીં, પરંતુ
પોતાના પરિવાર સુધી પરત પહોંચવાની તક પણ મળી હતી.

