આંધ્રપ્રદેશનો યુવાન પાંચ વર્ષે ઘરે પહોંચ્યો પત્ની-બાળકો સાથે થયું ફેરમિલન

આંધ્રપ્રદેશનાં ગુન્ટુર જીલ્લાનાં મચેરલા ગામનો ૩૧ વર્ષિય યુવાન નગીનલાલ લક્ષ્માયા પાંચ વર્ષ પછી પોતાનાં ઘર સુધી સુખરૂપે પહોંચ્યો છે. સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા માનવજ્યોતનાં રફીક બાવાને છ મહિના પહેલાં લાખોંદ પાટિયા પાસેથી મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે લઈ આવી તેની સારવાર શરૂ કરવામાં આવી. મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણીની સારવારથી તે જલ્દી સ્વસ્થ બન્યો હતો. 

માનવજ્યોત દ્વારા તેને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત સુધી પહોંચતો કરવામાં આવ્યો. શ્રદ્ધા રીહાબિલીટેશને તેને આંધ્રપ્રદેશ તેના ઘર સુધી પહોંચાડયો હતો. પાંચ-પાંચ વર્ષથી પત્ની-બાળકો અને પરિવારજનો તેની ઘરે આવવાની રાહ જોઈ બેઠા હતા. ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે પરિવાર સંકટનો સામનો કરી રહ્યો હતો. ધીરજ પણ ખૂટી હતી. છતાં એક દિવસને જરૂર પાછો ફરશે એવી આશા પરિવારજનોએ સેવી હતી. 

આખરે ઈશ્વરે કસોટીમાંથી પરિવારજનોને ઉગાર્યા. અને નગીનલાલ તેના ઘર સુધી પહોંચતા પરિવારજનો ખુશીથી નાચી-ઝુમ્યા હતા. એકબાજુ ખુશી હતી તો બીજી બાજુ દરેકની આંખોમાં હર્ષનાં આંસુ વહ્યા હતા. આખરે તે કચ્છથી આંધ્રપ્રદેશ પોતાનાં ઘરે પાંચ વર્ષ પછી પહોંચ્યો છે

માનવતાનાં આ કાર્યમાં પંકજ કરુવા, મહેશ ઠક્કર, દિલીપ લોડાયા, આનંદ રાયસોની, દિપેશ શાહ તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા.