સેવાભાવીઓની સેવા અનેરી હોય છે અને આવી સેવા થકી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને ફરી પાછું પોતાનું પરિવાર મળે છે ત્યારે પરિવારમાં ખુશી છવાઇ જાય છે.
માધાપરનાં કિરણભાઇ મહેતા અમદાવાદથી ભુજ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં વીરમગામ પાસે બળબળતા તાપથી ગરમીનાં પરસેવાથી ભીંજાઇ ગયેલા અને તરસ્યો,ભૂખ્યો માનસિક દિવ્યાંગ યુવાન માર્ગ ઉપરથી ચાલ્યો આવતો નજરે જોવા મળ્યો.
પાણીની તરસથી તે રોડ ઉપર પડ્યો. ત્યાંથી પસાર થતાં કિરણભાઇ મહેતાએ મેલા,ગંદા કપડા અને પાણીની તરસથી તડપતા યુવાનને પોતાની ગાડીમાં બેસાડ્યો. ગાડીમાં તેણે બે લીટર પાણીથી પોતાની તરસ છીપાવી ત્યાર બાદ રસ્તામાં ગાડી ઉભી રાખી તેને ભરપેટ ભોજન કરાવ્યું.
તરસ્યો, ભૂખ્યો આ યુવાન ભાનમાં આવ્યો. કિરણભાઇ મહેતાએ તેને પોતાની ગાડી મારફતે ભુજ સુધી આ યુવાનને લઇ આવી માનવજ્યોત સંસ્થાને સોંપ્યો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે આ યુવાનને સેવાશ્રમ સ્થળે રાખી તેની સારવાર કરાવતાં આ યુવાન સ્વસ્થ બન્યો હતો. હવે તેનું ઘર, પરિવાર શોધવાનું કાર્ય ચાલુ છે.
રસ્તે રઝળતા લોકો માટે પણ માનવતાનું ઝરણું જેના દિલમાં સતત વહેતું હોય એવા સેવાભાવીઓની સેવા થકી યુવાન હેમખેમ બચ્યો.

