માનવજ્યોત સંસ્થા ભુજના સતત માનવતાભર્યા પ્રયાસોના પરિણામે ઉત્તરપ્રદેશના બે ગુમ થયેલા માનસિક દિવ્યાંગો આખરે પોતાના પરિવારજનો સાથે પુનર્મિલન પામ્યા છે. લાંબા સમયથી વિખૂટા પડેલા સ્વજનો સાથેનું આ મિલન પરિવારો માટે ભાવુક અને આનંદદાયક ક્ષણ બની રહ્યું હતું.
ઉત્તરપ્રદેશના કાનપુરના 51 વર્ષીય લાલધાની અને બનારસના 50 વર્ષીય શ્યામબાબુ ઘરેથી ગુમ થઈ જતાં તેમના પરિવારજનો લાંબા સમયથી તેમની શોધખોળમાં લાગેલા હતા. અનેક સ્થળોએ શોધખોળ છતાં કોઈ ભાળ મળી નહોતી. ભટકતાં-ભટકતાં બંને યુવાનો વિવિધ રાજ્યો અને શહેરોમાં ફરીને અંતે વીરમગામ સ્થિત અપનાઘર આશ્રમમાં પહોંચ્યા હતા, જ્યાં આશ્રમના સંચાલકોએ તેમની યોગ્ય સેવા અને સંભાળ રાખી હતી.
માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા વીરમગામ આશ્રમની મુલાકાતે ગયા દરમિયાન બંને યુવાનોની સ્થિત જાણ્યા બાદ તેમને ભુજ લાવી શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તરપ્રદેશ પોલીસના સહયોગથી બંનેના ઘર અને પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
અવિરત પ્રયાસો સફળ થતાં બંને પરિવારજનોનો સંપર્ક સાધવામાં આવ્યો અને તેઓ પોતાના સ્વજનોને લેવા ભુજ પહોંચ્યા હતા. લગભગ 10 મહિના બાદ લાલધાની તથા બે વર્ષ બાદ શ્યામબાબુ પોતાના પરિવાર સાથે મળતાં લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. પરિવારજનોની આંખોમાં આનંદના આંસુઓ જોવા મળ્યા હતા અને તેમણે માનવજ્યોત સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ માનવતાના સેવાયજ્ઞને સફળ બનાવવામાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, નિતીન ઠક્કર, ગોવિંદ પાટીદાર તથા મનસુખ નાગડાએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. માનવજ્યોત સંસ્થા છેલ્લા ઘણા સમયથી ઘરથી વિખૂટા પડેલા માનસિક દિવ્યાંગોને આશ્રય આપવાની સાથે તેમના પરિવારજનોને શોધી પુનર્મિલન કરાવવાના કાર્યમાં સતત સેવા આપી રહી છે, જેના કારણે અનેક પરિવારોના જીવનમાં ફરી ખુશીઓ પરત ફરી રહી છે.

