વડીલોના ચહેરાપર ખીલ્યો ભક્તિ અને આનંદનો અજવાસ

માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી એલ. એમ. ભક્તા વડીલોનો વિસામો દ્વારા એક સદગૃહસ્થ દાતાશ્રીના સહયોગથી 60 વૃદ્ધવડીલો માટે પવિત્ર તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન વડીલોએ પુંઅરેશ્ર્વર, માતાનામઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, કટેશ્વર તથા કમલેશ્વર મહાદેવના પવિત્ર દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને પરમ આનંદની અનુભૂતિ કરી હતી.

યાત્રાની શરૂઆત સંસ્થાના પૃથ્વીરાજસિંહના હસ્તે યાત્રા બસને લીલીઝંડી આપી કરવામાં આવી હતી. સમગ્ર પ્રવાસ દરમિયાન વડીલોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભજન-કીર્તન, ધૂન અને રાસ-ગરબાની રમઝટથી સમગ્ર યાત્રા ભક્તિમય બની હતી. વડીલોએ જીવનભરની યાદગાર બની રહે તેવી આ તીર્થયાત્રા બદલ દાતાશ્રી અને સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

નારાયણ સરોવર ખાતે માનવજ્યોત સંસ્થા દ્વારા જાગીરના મહંત શ્રી સોનલલાલજી મહારાજનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંતશ્રીએ માનવજ્યોત સંસ્થા દ્વારા વડીલો, નિરાધાર અને માનસિક દિવ્યાંગો માટે વર્ષોથી થઈ રહેલી નિઃસ્વાર્થ સેવાપ્રવૃત્તિઓને બિરદાવી સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી હતી.

યાત્રા દરમિયાન નખત્રાણા ખાતે સંસ્થાના કાર્યકર જયંતિભાઈ દવે અને જયેશભાઈ સોનીનું તેમજ દોલતપર ખાતે કરણદાન ગઢવીનું બહુમાન કરી તેમની સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી.

સમગ્ર તીર્થયાત્રાનું આયોજન અને વ્યવસ્થાપન પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દેવેન્દ્ર જીવાણી તથા સંસ્થાના કાર્યકર ભાઈ-બહેનોએ સુચારુ રીતે સંભાળ્યું હતું. વડીલોના ચહેરા પર ઝળહળતો આનંદ અને ભક્તિભાવ આ સમગ્ર યાત્રાની સૌથી મોટી સફળતા બની રહ્યો હતો.

કીર્તિભાઇ વોરા (સમર્પણ સ્ટોર) ભુજ દ્વારા દરેક વૃદ્ધ વડીલોને નવી સાડીઓ અર્પણ કરવામાં આવેલ.