આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. લુપ્ત થઈ ગયેલા હોલા, કાગડા, પોપટ, કાબર, ગીધ, સમડી, કબુતર પછી હવે મોટાપ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે.
એક હતો ચકો એક હતી ચકી વાર્તા હવે ભૂંસાઈ રહી છે શહેરના બિલ્ડીંગોના ગાઢ વિસ્તારોમાં ચકા-ચકી પોતાનાં ઘરનું એડ્રેસ શોધતા-શોધતા એવા થાકી ગયા કે હવે તે એડ્રેસ વિનાના બની ગયા છે. આંગણાંમાંજ ચકલા-ચકલીઓનું ચીં… ચીં.. સાંભળવા મળતું હતું એ હવે લુપ્ત થઈ ગયું છે. નાનકડું એવું પ્રેમાળ પક્ષી શહેરની ભૂલ ભૂલામણી વાળી ઉંચી ઇમારતો વચ્ચે એવું ગોટે ચડી ગયું કે હવે તે નાના બાળકોને જોવું પણ દુર્લભ બની ગયું છે. ગામડા અને શહેરોમાં મોટી સંખ્યામાં જોવા મળતું આ પક્ષી હવે લુપ્ત થઈ રહ્યું છે.
દોડાદોડી અને ભાગદોડ ભરી જીંદગીમાં અટવાઇ ચૂકેલ માનવી હવે ચકલીને શોધવા નીકળી પડયો છે.
વર્ષોથી પર્યાવરણ પ્રેમીઓ, પક્ષી વિદો કહેતા હતા કે, લુપ્ત થતી ચકલીઓને બચાવો… પરંતુ આ શબ્દોને સાંભળવાની દરકાર માનવીને કયાં છે?માનવીના કાને મોબાઇલનાં ઈયરફોન ભરાવેલા હોય છે.
છતાં ચકલી પ્રેમીઓએ ૨૦મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ચકલીઓ માટે જાગૃતિની જરૂરત છે. આ નાના-પક્ષીને આપણે બચાવી શકતા નથી. કુદરતી વાતાવરણને નહીં ગણકારીએ તો ધીમે ધીમે આ કુદરતી વાતવરણ નાશ પામી જશે. કેટલીયે સંસ્થાઓ આ બાબતે ચિંતિત છે. ચકલીઓ અને અન્ય પક્ષીઓ માટે દરેક સોસાયટીઓમાં ચબૂતરા હોવા જરૂરી છે જયાં પીવાનાં પાણી અને ચણ (દાણા)ની વ્યવસ્થા પણ હોય જેથી વધારેને વધારે પક્ષીઓ આવતા થાય.
ચકલીઓ ઘાસ- રૂના કે અન્ય તણખલા વિણીને માળો બનાવતી હોય છે. નાની કે મોટી જયાં સુરક્ષિત જગ્યા મળે ત્યાં ચકલીઓ માળો બાંધે છે. પહેલાં માનવીનાં રહેણાંકના મકાનમાં ચકલીઓ વરા-વંજી વચ્ચે માળો બાંધી ઇંડા મૂકતી અને બચ્ચાં ઉછેર કરતી. પણ હવે મકાનો છતવાળા થઈ જતાં ચકલીઓને માળો બાંધવાની જગ્યા રહી નથી. માનવજ્યોત સંસ્થાએ રૂપકડાં માટીનાં ચકલીઘર બનાવ્યા છે જે ચકલીઓ માટે સુરક્ષિત ઘર સાબિત થઇ ચૂક્યું છે. મકાન ઉપર, છત ઉપર, વૃક્ષોમાં કયાં પણ તેને લટકાવી શકાય છે. ચકલીઓ શરૂઆતમાં વિશ્વાસ કરશે નહીં. ધીમે ધીમે ચકલીઘરમાં આવ જાવ કરશે અને પછી ચકલીઘરમાં કલાત્મક માર્ગે બાંધશે. માનવજ્યોત સંસ્થા દ્વારા કચ્છનાં શહેરો અને ગામડાંઓમાં ઠેર-ઠેર આવા ચકલીઘરો મૂકાયા છે. જેની અંદર ચકલીઓ માળો બાંધે છે. આવા ચકલીઘરો ચકલી જેવા નાનકડા પક્ષીઓ માટે ઘર સાબિત થઈ ચૂક્યા છે.
શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી ચકલી બચાવો અભિયાન ચાલુ કરાયું છે. જેને સફળતા મળી રહી છે, ધીરે ધીરે ચકલીઓ દેખાતી થઈ છે. તેમજ અમુક વિસ્તારોમાં ચકલીઓની આવજાવ વધી છે.
આજે દિવસો દિવસ પ્રદુષણનાં કારણે ચકલીઓ અદ્રશ્ય થઈ રહી છે. દરેકે દરેક ઘરે એક ચકલીઘર અને એક પાણીનું કુંડ મૂકવામાં આવે તો જીવદયાનું બહું મોટું કાર્ય થાય. ચકલીઓ ફરી મોટી સંખ્યામાં દેખાતી થશે. ઉનાળાની કાળઝરતી ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી પીવા માટે મળે એ જરૂરી છે. એ માટે દરેક જાગૃત માનવી આગળ આવશે તો જ આપણે પક્ષીઓ સાથે રૂપકડી ચકલીઓને પણ બચાવી શકીશું.
માનવજ્યોત સંસ્થા છેલ્લા ૧૭ વર્ષથી ચકલીઘરો અને પાણીનાં કુંડા વિતરણ કરે છે. જેથી પર્યાવરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવી છે. પર્યાવરણ પ્રેમીઓ સાથે મોટી સંખ્યામાં લોકોએ પર્યાવરણ અને પક્ષીઓને બચાવવાની વાત સમજી છે.
ચકલી ઘર માટીનાં બને છે. તેમજ કુંડાપણ માટીનાં બને છે. પતરાનું નાનું ખાલી ડબું પણ ચકલીઘર બની શકે છે.
અનેક આકર્ષક ચકલીઘરો બંગલાની કે ઘરોની શોભા વધારે છે. એકાદ ચકલીઘર ઘરનાં આંગણામાં બાલ્કની કે છત ઉપર કે વૃક્ષો ઉપર લટકાવી દેવાથી ચકલી તેમાં ઇંડા મુકે છે. અને તેમાં બચ્ચાં ઉછેર પણ કરે છે.
આવો આપણે સૌ સાથે મળી રૂપકડી ચકલીઓને બચાવીએ. ચકલીઓનું ચીં… ચીં… કોને ન ગમે?
ભુજની માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ દર વર્ષે આ દિશામાં માનવજ્યોત સંસ્થા સક્રિય બની કાર્ય કરી રહી છે. જે કાર્યને સફળતા મળી રહી છે. કચ્છનાં દરેક શહેરો ગામડાઓ આ કાર્યમાં જોડાયા છે. ઉનાળો આવતાં જ માટીનાં ચકલીઘર-પાણીનાં કુંડાની બહુ જ માંગ રહે છે. અને પર્યાવરણ સાથે પક્ષીઓ બચાવવામાં લોકો પણ જોડાયા છે.
ભૌતીકવાદના વિકાસને કારણે પર્યાવરણને નુકશાન થતાં પક્ષીઓની અનેક જાતીઓ લુપ્ત થતી જાય છે. કાગડા, હોલા, ચકલી, પોપટ, કાબર, સમડી, ગીધ, કબુતર જેવા પક્ષીઓ દેખાતા બંધ થઈ ગયા છે.
ખેતરોમાં જંતુનાશક દવાનો ઉપયોગ વધતો હોવાથી તેની આડઅસરથી પક્ષીઓની અમુક જાતોનો નાશ થતો જાય છે. તથા ભુગર્ભના જળ નીચા જતાં તળાવના પાણી જલ્દી સુકાઈ જવાથી પક્ષીઓને જીવવું મુશ્કેલ બન્યું છે.
માનવી, પશુઓ, વનસ્પતીઓની જેમ જીવસૃષ્ટિમાં પક્ષીઓ પણ એટલા જ ઉપયોગી છે. એને બચાવવાએ જીવદયાનું ઉત્તમકાર્ય છે.
આપણે સૌ આપણા ગામમાં સ્થાનીકે સરપંચશ્રી તેમજ શાળાના આચાર્યશ્રી અને ગામના આગેવાનોના સહકારથી શાળાના બાળકોને માટીનાં કુંડ તથા ચકલી ઘરનું વિતરણ કરી પક્ષીઓને પીવા પાણી તથા રહેવાની સગવડ ઉપલબ્ધ કરીએ, જીવદયાના આ કાર્યમાં આપણે સૌ સહકાર આપીએ એવી અપેક્ષા છે.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દર વર્ષે ઉનાળાની ગરમીની શરૂઆત થતાં જ કુંડા-ચકલીઘરનું વિતરણ શરૂ કરી દેવામાં આવે છે. લોકોની જરૂરિયાત અને માંગને પહોંચી વળવા અગાઉથી જ કુંડા-ચકલીઘર તૈયાર કરાવીને રખાય છે. અનેક સંસ્થાઓ, યુવક મંડળો, મહિલા મંડળો કુંડા ઉપર સંસ્થા-મંડળનું નામ લખાવી પોતાના ગામની અંદર વિતરણ કરે છે. આમ આ જીવદયાની પ્રવૃત્તિ છેવાડાનાં ગામો સુધી પહોંચી છે. માનવજ્યોત સંસ્થાએ શરૂ કરેલી આ પ્રવૃત્તિમાં અનેક સંસ્થાઓ જોડાઈ છે. અને હવે આ કુંડા અને ચકલી ઘર કચ્છના સીમાડા ઓળંગી સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ તથા દેશ વિદેશ સુધી પહોંચ્યા છે. માનવજ્યોતનાં કુંડા ચકલીઘર લંડન, આફ્રિકા, નૈરોબી જેવા વિદેશી શહેરોમાં પહોંચ્યા છે.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારાઆ કુંડા-ચકલીઘર-ચણ થાળીઓ માટી કામ કરતા કુંભારભાઇઓ પાસેથી તૈયાર કરાવવામાં આવે છે. ભુજ-મસ્કા-ગુંદીયારીનાં કુંભાર ભાઈઓ આવા ચકલીઘર-કુંડા-ચણ થાળી વિશાળ સંખ્યામાં બનાવી આપે છે. છેલ્લા ૧૭ વર્ષથી પર્યાવરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવવાથી માટીનાં કુંડા-ચકલીઘર જેવી વસ્તુઓનું વેચાણ વધતાં અનેક માટીકામનાં કારીગરોને રોજીરોટી પણ મળે છે. આમ જીવદયાની પ્રવૃત્તિ માનવજ્યોત સંસ્થા સતત આગળ ધપાવી રહી છે. કુંડાને સ્વચ્છ રાખી દરરોજ તાજું પાણી નાખવા લોકોને અપીલ કરવામાં આવે છે.

