બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના પીપરાળા ગામનો સંજયરામ માત્ર 15 વર્ષની ઉંમરે ઘરેથી ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ વર્ષો સુધી તેની સતત શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ અત્તોપત્તો મળ્યો નહોતો. દરમિયાન તે વિવિધ રાજ્યોના શહેરો અને ગામોમાં રખડતો-ભટકતો રહ્યો હતો અને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરતો રહ્યો હતો. પુત્રના વિયોગમાં પરિવાર સતત ચિંતામાં દિવસો પસાર કરતો રહ્યો હતો.
આખરે સંજયરામ ગુજરાતના વિરમગામ સ્થિત અપનાઘર આશ્રમમાં પહોંચ્યો હતો, જ્યાં આશ્રમના સંચાલકોએ તેની નિષ્ઠાપૂર્વક સંભાળ રાખી હતી. ત્યારબાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભુજના પેરાલિગલ વોલન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ અપનાઘર આશ્રમની મુલાકાત દરમિયાન સંજયરામને ભુજ લાવી શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે આશ્રય આપ્યો હતો.
ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળતાં સંજયરામના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થયો. હતો. ત્યારબાદ બિહાર પોલીસના સહયોગથી માત્ર 15 દિવસમાં તેના પરિવારનું સરનામું શોધી કાઢવામાં સફળતા મળી હતી. માહિતી મળતાં તેનો નાનો ભાઈ ભુજ આવી પહોંચ્યો હતો.
15 વર્ષના લાંબા વિયોગ બાદ જ્યારે બંને ભાઈઓ સામસામે આવ્યા ત્યારે સંજયરામે તરત જ પોતાના ભાઈને ઓળખી લીધો હતો. બંને ભાઈઓ એકબીજાને ભેટી પડતાં ત્યાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ હતી. વર્ષો પછીનું આ મિલન અત્યંત લાગણીસભર બની રહ્યું હતું.
સંજયરામના ભાઈએ જણાવ્યું હતું કે પુત્ર ગુમ થયા બાદ તેની ચિંતામાં માતાનું અવસાન થઈ ગયું હતું, જ્યારે સતત આઘાત અને વેદનાના કારણે પિતાએ માનસિક સમતુલા ગુમાવી દીધી હતી. લાંબા 15 વર્ષ બાદ સંજયરામ 30 વર્ષની ઉંમરે પોતાના પરિવાર સુધી પહોંચતાં વર્ષોથી ચાલતી વેદનાનો અંત આવ્યો છે અને સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, રફીક બાવા, પંકજ કુરુવા, દિલીપ લોડાયા તથા દેવેન્દ્ર જીવાણી સહભાગી બન્યા હતા.

