વર્ષો બાદ ચાર માનસિક દિવ્યાંગો પહોંચ્યા પોતાના પરિવાર સુધીમાનવજ્યોતના પ્રયાસોથી લાગણીસભર પુનર્મિલન; વર્ષોની રાહનો આવ્યો અંત

માનવજ્યોત, ભુજ દ્વારા માનવતાનું વધુ એક હૃદયસ્પર્શી કાર્ય સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. અપનાઘર, વિરમગામ સંસ્થામાંથી 10 માનસિક દિવ્યાંગોને તેમના મૂળ ઘર અને પરિવાર સુધી પહોંચાડવાના હેતુથી ભુજ લાવવામાં આવ્યા હતા. તેમને માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.

આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ વિવિધ રાજ્યોની પોલીસના સહયોગથી માત્ર દસ દિવસમાં સાત માનસિક દિવ્યાંગોના પરિવારજનોને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. તેમાંથી ચાર પરિવારજનો પોતાના સ્વજનોને લેવા માટે ભુજ આવી પહોંચ્યા હતા.

મધ્યપ્રદેશના ઝાહવા ગામના રાજેશ (ઉ.વ. 25), આગ્રાના સમસાબાદ વિસ્તારના ભગવાન (ઉ.વ. 55), મહારાષ્ટ્રના નાસિકના પંડીયા (ઉ.વ. 35) તથા મધ્યપ્રદેશના ઝાહવા ગામના બદિયા (ઉ.વ. 30) વર્ષો બાદ પોતાના પરિવાર સાથે પુનર્મિલન કરતાં સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. લાંબા સમયથી પોતાના સ્વજનોની શોધમાં રહેલા પરિવારજનો માટે આ ક્ષણ અમૂલ્ય બની રહી હતી. વર્ષોની રાહનો અંત આવતાં પરિવારમાં અનહદ ખુશી છવાઈ ગઈ હતી.

લાંબા સમય બાદ થયેલા આ મિલન દરમિયાન અનેક ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પોતાના સ્વજનને સામે જોઈ પરિવારજનોની આંખોમાં આનંદના આંસુ છલકાઈ ઊઠ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈ માટે આ ક્ષણ યાદગાર અને હૃદયસ્પર્શી બની રહી હતી.

માનવતાના આ સેવાકાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, પંકજ કુરવા, દિલીપ લોડાયા, દેવેન્દ્ર જીવાણી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા અને ચંદુભા ચૌહાણે મહત્વપૂર્ણ સહભાગિતા નોંધાવી હતી.