ભુજ સ્થિત કબીર મંદિર દ્વારા છેલ્લા 20 વર્ષથી દર પૂનમના દિવસે માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે રહેતા માનસિક દિવ્યાંગો તેમજ એકલા, અટુલા અને નિરાધાર વૃદ્ધ વડીલો માટે ટિફિન સેવાના ભાગરૂપે તૈયાર રસોઇ આપવામાં આવે છે. આ સેવાકીય પરંપરા વર્ષોથી અવિરત રીતે ચાલુ રહી છે.
આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત કબીર મંદિરના મહંતશ્રી કિશોરદાસજી સાહેબ શ્રી રામદેવ સેવાશ્રમ ખાતે પધાર્યા હતા. તેમણે સેવાશ્રમમાં નિવાસ કરતા માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી આત્મીયતા અને માનવતાનો અનોખો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે તેમણે માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવતી નિઃસ્વાર્થ સેવા અને સમાજોપયોગી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા મહંતશ્રી કિશોરદાસજી સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમના ઉત્તમ આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને તેઓ સમાજસેવાના આવા કાર્યોમાં સતત પ્રેરણાસ્ત્રોત બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
માનવતા, સેવા અને કરુણાની ભાવનાને ઉજાગર કરતો આ પ્રસંગ ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયી બન્યો હતો.

