આજના સમયમાં જ્યાં વધતી ઉંમરે લોકો ઘર સુધી મર્યાદિત થઈ જાય છે, ત્યાં અંજારના ૯૦ વર્ષીય રણછોડભાઈ હીરજીભાઈ વરૂએ માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માનવજ્યોત સંસ્થા ભુજની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરાઈ તેઓ પોતાના પરિવાર સાથે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે પહોંચ્યા હતા. અહીં રહેતા માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનોને તેમણે પોતાના હાથે પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું અને તેમના ચહેરા પરની ખુશી જોઈ આત્મિક સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે રણછોડભાઈએ માનવજ્યોત સંસ્થાના સેવાકીય કાર્યોની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી અને સંસ્થાને અનુદાન પણ અર્પણ કર્યું હતું. તેમના પુત્ર રાજેશભાઈ વરૂ તથા પરિવારજનો પણ આ સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા. ઉલ્લેખનીય છે કે વરૂ પરિવાર દ્વારા માનવજ્યોત સંસ્થાને દર મહિને નિયમિત અનુદાન આપી સેવાયજ્ઞમાં સતત સહયોગ આપવામાં આવે છે.
આ પ્રસંગે માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા અને આનંદ રાયસોનીએ વરૂ પરિવારના સેવાભાવ અને ઉદાર સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવા સેવાભાવી પરિવારોના સહયોગથી જ સંસ્થા નિરાધાર, માનસિક દિવ્યાંગો અને જરૂરિયાતમંદોની સેવા સતત કરી રહી છે. “વૃદ્ધાવસ્થામાં પણ સેવાનો ઉત્સાહ જ સાચી માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.”

