મને કાંઇ યાદ આવતું નથી… માત્ર પાંચ વર્ષની ઉંમર હતી. અને ભુકંપનાં દિવસે સાંજે ભુજનાં રેલ્વે સ્ટેશન પિટ લાઇનો છે, ત્યાં એકલો-અટુલો દેખાયો.
નાનું બાળક… કાંઇ સમજ નહીં… ખાસ કાંઇ બોલી નશકે… બોલે તો કોઇ વાત સમજાય નહીં. આખોમાં દળ-દળ આસું… માતા-પિતા અને પરિવાર ને શોધી રહેલ બાળક ચારેબાજુ વિનાશ જોઇ ખૂબજ ડરી ગયેલો જોવા મળ્યો.
ખતુબાઇ કોળી નામની મહિલાએ આ રડતા બાળકને જોઇ તેનાં આંસુ લુંછી તેને હાથમાં ઉંચકી પોતાનાં ઘરે લઇ આવેલ. ખૂબ જ ડરી ગયેલ બાળક કોઇ વાત સાંભળવા તૈયાર નહોતો. તેની આંખો કોઇકને શોધી રહી હતી. તે કોઇ વાત માનવા તૈયાર નહોતો.
ત્યાર પછી આ મહિલાએ આ બાળકને ઉછેરવાનું શરૂ કરેલ. બે વર્ષ સુધી તેને ઉછેર્યો. પણ આ મહિલાનાં પરિવારની આર્થિક સ્થિતિ એકદમ નબળી હોતાં તેમણે માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાનો સંપર્ક કર્યો. ત્યારે આ બાળકની ઉંમર 7 વર્ષની થઇ ચૂકી હતી.
માનવજ્યોત કાર્યાલયે આ બાળકને લાવવામાં આવ્યો. અને મહિલાએ દરેક બાબત માનવજ્યોતનાં કાર્યકરોને કરી. મારાથી આ બાળક સચવાતો નથી. માનવજ્યોત સંસ્થા દ્વારા આ બાળકને સતત ત્રણ વર્ષ સુધી સંસ્થાની શાળામાં અક્ષરજ્ઞાન, શિક્ષણ માટે મોકલાવામાં આવતો પણ એને ભણવામાં બિલકુલ રસ નોતો. સંસ્થાએ બાળકને સારી સંસ્થામાં મોકલવાનું નક્કી કર્યું. પણ આ બાળક હવે કયાં પણ જવા ઇચ્છતો નહોતો. દરરોજ માનવજ્યોતની પ્રવૃત્તિઓ નજરે જોતો અને એમાં જોડાઇ જવાની ઇચ્છા વ્યક્ત કરી. અક્ષરજ્ઞાન નહતું પણ સમજદારી અને બુદ્ધિપૂર્વક આગળ વધવા લાગ્યો. અહીં તેને જમવા,સૂવા તથા દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરી આપવામાં આવી.
માનવજ્યોતનાં કાર્યકરો અને ભીડગેટ વિસ્તારનાં સર્વે લોકો તેનાં મિત્રો બની ગયા. દિવસો પસાર થતા ગયા. આ બાળકનું નામ વિક્રમ પાડવામાં આવ્યું. આજે આ બાળક 30 વર્ષનો થઇ ચૂકયો છે. દરેક કાર્ય ખૂબ જ સૂઝ-બુઝથી કરે છે. રોટી,કપડા ઓર મકાન, અહીં સંસ્થાએ તેને દરેક વ્યવસ્થા કરી આપી છે. સારું પાત્ર મળે લગ્ન કરવાની ઇચ્છા ધરાવે છે. ભાઇબંધોનો વિશાળ ગ્રુપ એની પાસે છે. ભીડગેટ આખા વિસ્તારમાં તે ફરી વળે છે. તેનાં મિત્ર વર્તુળો તેને જોઇતી વસ્તુઓ પૂરી પાડે છે.
આજે પચ્ચીસ વર્ષ બાદ પણ તેને કાંઇ યાદ નથી. કોણ હતા તેના માતા-પિતા, કોણ હતો એનો પરિવાર. એ ભુજનો હશે કે કયાંનો હશે કોણ જાણે ? પણ ભૂંકપનાં 25 વર્ષ પછી પણ તેનો પરિવાર નથી મળ્યો. ભુકંપના દિવસે તે પાંચ વર્ષનો હતો. આજે તે 30 વર્ષનો થઇ ચૂકયો છે. આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ પણ એણે બનાવી લીધા છે. માનવજ્યોત એનું ઘર છે. અને માનવજ્યોતનાં કાર્યકરો તેનો પરિવાર બની ગયા છે.
ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ સમાજવાડીઓમાં લેવા જતાં વિક્રમને દરેક સમાજવાડીઓના સંચાલકો સારી રીતે ઓળખી કાઢે છે. અને તેને મદદરૂપ બને છે.

