રમઝાન માસનાં પ્રથમ રોઝા દિને ગુમ યુવાનને 31 વર્ષે પરિવાર મળ્યો

ઉત્તરપ્રદેશનાં શ્રાવરતી જીલ્લાનાં ઇકોના ગામના નરપતપુર વિસ્તારમાં રહેતો યુવાન અકબરઅલી ઉ.વ. 26 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. વર્ષોનાં વર્ષો વીતી ગયા પછી પરિવારજનોએ માની લીધું હતું કે હવે તે આ દુનિયામાં નહીં હોય.

ઘરેથી નીકળ્યા પછી તે અનેક રાજ્યોનાં શહેરો, ગામોમાં તે સતત રખડતો-ભટકતો અને અનેકવિધ મુશ્કેલીઓ વેઠતો રહ્યો હતો. ઉપર આભ-નીચે ધરતી. તેની પૂછપરછ કરવા વાળું તેને કોઇ મળ્યું નહીં. વર્ષો પછી તે આણંદનાં માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સરભરા કરી હતી.

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આણંદ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા. માનવજ્યોતનાં પાલારા-કચ્છ સેવાશ્રમે તે માત્ર 15 દિવસનો મહેમાન બન્યો. યુ.પી. પોલીસની મદદથી તેનું ઘર-પરિવાર શોધી કઢાયા. અકબરઅલીનાં માતા-પિતા તેનાં વિયોગમાં મૃત્યુ પામ્યા છે. તેની પત્ની છે તથા એક દીકરી છે. દીકરી 33 વર્ષની થઇ જતાં તેનાં લગ્ન થઇ ગયા છે. તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. તેને એક ભાઇ છે અક્રમઅલી. મહારાષ્ટ્રના પનવેલ મધ્યે રહેતા તેના ભત્રીજાઓ મોહમદઇસ્લામ અને મોહમદહારુનખાને ભુજ આવી તેનાં કાકાનો કબ્જો સંભાળતા જણાવ્યું હતું કે, હવે કાકા અમારી સાથે રહેશે. પિયરે રહેતી તેની પત્ની પણ આવી
જશે. અને 31 વર્ષ બાદ પતિ-પત્ની પણ સાથે રહેશે. 31 વર્ષો પછી તેનું પરિવારજનો સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનો તેની ભેટી પડતાં સૌની આંખો અશ્રુભીની બની હતી. આજે તેની ઉંમર 57 વર્ષની થઇ ચુકી છે.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલા અબોટી, રફીક બાવા, પંકજ કુરવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી, ચાંદુભા ચૌહાણ સહભાગી બન્યા હતા.