ઉત્તરખંડના લુડકી તાલુકાનાં કલીહર ગામનો મુસ્લિમ યુવાન શોકીન ઉ.વ. 30 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક મુશ્કેલીઓ વેઠતો પરિવાર ખૂબ જ ચિંતાતુર બન્યો હતો.
ભારતભરનાં વિવિધ રાજ્યોમાંથી આખરે તે રખડતો-ભટકતો આણંદના માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકો એ તેની સારી સેવાઓ કરી. કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આણંદ આશ્રમની મુલાકાતે ગયેલ ત્યારે આ યુવાનને સાથે ભુજ તેડી આવ્યા. શ્રી
રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં તેની સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો.
ઉત્તરખંડ પોલીસની મદદથી તેનું ઘર,પરિવાર શોધી કાઢતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. તેનાં પિતા દિલસાદ, ભાઇઓ પરવેજ, તકરુ, આશિફ ભુજ આવી પહોંચ્યા હતા.
માનવજ્યોત સેવાશ્રમ મધ્યે પહોંચતાંજ પિતા પુત્ર અને ભાઇ-ભાઇનું 10 વર્ષ પછી મિલન થતાં દરેકની આંખો અશ્રુભીની બની હતી. આજે તે 40 વર્ષનો થઇ ચૂકયો છે. પરિવારજનોએ માનવજ્યોત સંસ્થાની સેવાઓને બિરદાવી સંસ્થાનો આભાર માન્યો હતો.
માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, દિપેશ શાહ, પ્રવિણ સોઢા, મનીષ મારાજ સહભાગી બન્યા હતા.

