ભુજનાં એક વૃદ્ધ ઉંમર વર્ષ 80 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ચોથા દિવસે પદ્ધર પોલીસ સ્ટેશને આ વૃદ્ધ વડીલ મળતાં મધ્ય રાત્રિએ તેમને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ આ વૃદ્ધનું
આશ્રય સ્થાન બન્યું. પાંચમાં દિવસે વૃદ્ધનાં પરિવારને શોધી કઢાયું. પરિવારજનોને વૃદ્ધ વડીલનો કબ્જો સોંપાતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી.
અન્ય એક વૃદ્ધ મહિલા તા. 28-2 ના ગુમ થતાં પરિવારજનોએ સતત દોડધામ કરી તેને શોધવાનાં પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. તા. 7-3 સવારે કોઇક જાગૃત મહિલાએ માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને ફોન કરી જણાવ્યું હતું કે કોઇક અજાણી મહિલા ભૂખી- બિમાર હાલતમાં હમીસરસ કાંઠે આવેલ છતરડી અંદર સૂતેલી છે. માનવજ્યોત સંસ્થાએ મહિલાને છતરડી વિસ્તારમાંથી શોધી કાઢી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપ્યો હતો. છતરડી પાસે તળાવનું ગંદુ પાણી પીવાથી મહિલા સતત ઉલ્ટી કરી રહી હતી. તેની સંસ્થાએ સારવાર કરાવી હતી. અને મહિલાનો જીવ બચ્યો હતો.
સ્વસ્થ બનતાં તેને ભોજન કરાવવામાં આવેલ. વોટસઅપ માધ્યમથી મહિલા ગુમનાં એનાં પરિવારજનોનાં મેસેજ વાંચી માનવજ્યોતે પરિવારનો સંપર્ક કરી તેમને મહિલા સુરક્ષિત સેવાશ્રમ સ્થળ હોવાથી જાણ કરતાં પરિવારજનોએ આઠમાં દિવસે આશ્રમ સ્થળે પહોંચી વૃદ્ધ મહિલાનો કબ્જો લઇ માનવજ્યોત સંસ્થા અને કાર્યકરોનો આભાર માન્યો હતો.
માનવતાનાં આ કર્યમાં પ્રબોધ મુનવર,રફીક બાવા, આનંદ રાયસોની, જયંતસિંહ ચાવડા, પંકજ પારેખ, રાજુ જોગી, મહેશ જોગી, પ્રતાપ ઠક્કર, વિક્રમ રાઠી સહભાગી બન્યા હતા.

