સ્વ. વાસુદેવભાઇ ઠક્કરને ૧૬મી પુણ્યતિથિએ અંજલિ અપાઇ

શ્રેષ્ઠીવર્ય, અને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કરની સોળમી પુણ્યતિથિએ માનવજયોત સંસ્થા ભુજ દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ ભાવાંજલિ અર્પણ કરી હતી.

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ માટે તેઓશ્રીએ માનવજયોત સંસ્થા ભુજને અઢી એકર જમીનની ભેટ અર્પણ કરી હતી. જ્યાં આજે મસ્તરામોનું શ્રી રામદેવ સેવાશ્રમ નિર્માણ પામ્યું છે. અને માનવસેવાનું અતિ સુંદર કાર્ય થઈ રહ્યું છે. આ સ્થળેથી અત્યાર સુધીમાં 2550 માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર સુધી પહોંચ્યા છે.

તેમની પુણ્યતિથિએ તેમનાં પરિવારજનો અરૂણાબેન અને નિશાંતભાઈ ઠક્કરનાં સહયોગથી આશ્રમનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ.