માનવીએ પોતાની રહેવાની વ્યવસ્થા કરી લીધી પણ નાનકડા પક્ષી ચકલીની વ્યવસ્થા ન કરી લુપ્ત થતી ચકલીઓને બચાવી લઇએ. ચકલી કહે છે… અમારું પણ એક ઘર જોઇએ… ૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસ

કચ્છમાં ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. કચ્છમાં લુપ્ત થઇ ગયેલા કાગડા પછી હવે કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે. 

માનવીની બદલાતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાનાં બદલે છત, પ્રદુષણ, નવી રહેણી કરણી, ઉંચા bમોબાઈલ ટાવરો, જંતુનાશક દવાઓનાં વપરાશ વિગેરે કારણોથી કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ હવે ઓછી દેખાય છે. પહેલાના જમાનામાં માનવી અને ચકલી એક જ ઘરમાં સાથે રહેતા હતા. માનવી જે ઘરમાં રહેતો હતો એ ઘરમાં ઉપર વરાવંજી વચ્ચે ચકલીનો માળો હતો. 

પહેલાં ઘર નળિયા તથા છાપરા અને વરા-વંજી વાળા હતા. જેથી ચકલીઓ સહેલાઈથી માળો બાંધી શકતી. દિવાલ ઘડીયાલ અને ફોટો છબી પાછળ પણ ચકલીઓ માળા બાંધતી હતી. હવે નવા મકાનો છતવાળા થઇ જતાં ચકલીઓ માળો બાંધી શક્તી નથી. ચકલીઓનો… ચીં… ચીંઅવાજ પણહવે ઓછો સંભળાય છે. 

ચકલી કહે છે અમારું પણ એક ઘર હોય

પહેલાં માનવી અને ચકલી એકજ ઘરમાં રહેતા હતા. નળિયા-વરા-વંજી વાળા મકાનમાં ચકલીઓ માળો બાંધી ઇંડા મુકી બચ્ચાં ઉછેર કરી શકતી હતી. હવે મકાનો છતવાળાં થઈ ગયા છે જેથી ચકલીઓને પણ સુરક્ષા જોઈએ છે

ચકલીઓ કહે છે અનેક કારણોસર હવે અમે માનવીનાં રહેવાનાં મકાનોમાં, ગોખલાઓમાં, માળો બાંધી શકતા નથી. બચ્ચાનાં ઉછેરમાં ખૂબજ વિક્ષેપ પડે છે. પાછું કુદરતે અમને માળો બાંધવાની કુદરતી બક્ષિસથી પણ વંચિત રાખ્યા છે. જેથી હવે દરેક માનવી પોતાનાં ઘરે અનુકુળતા પ્રમાણે ઘરમાં અમારા માટે માળાની વ્યવસ્થા કરે. એ લાકડાનું હોય કે પછી માટીનું પણ.. આ અમારી દુઃખ દર્દ ભરી અપીલ છે. 

કચ્છમાં ચકલીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે સમગ્ર કચ્છ વાસીઓએ ચકલી બચાવો અભિયાનમાં જોડાવું જોઈએ. ભુજની માનવજ્યોત સંસ્થા તથા શ્રી રામદેવ સેવાશ્રમપાલારાના શ્રી પ્રબોધ મુનવરના જણાવ્યા મુજબ સંસ્થા દ્વારા પક્ષી બચાવો અભિયાન ચાલુ છે. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર-મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થાએ જીવદયાના આ કાર્યની ૧૭ વર્ષ પહેલા શરૂઆત કરેલ. ચકલીઓને સુરક્ષા મળે એ હેતુથી સંસ્થાએ માટીનાં ચકલી ઘરો બનાવ્યાં છે. આ રૂપકળાં ચકલીઘરોમાં ચકલીઓ માળો બાંધે છે. ઇંડા મુકે છે અને બચ્ચા ઉછેર કરી શકે છે. માનવજ્યોત સંસ્થાએ છેલ્લા ૧૭ વર્ષથી માટીનાં અનેક ચકલીઘરો વૃક્ષો ઉપર અને ઘરો ઉપર લટકાવ્યા છે. જેમાં ચકલીઓએ ઇંડા મુકી બચ્ચાં ઉછેર કરેલ છે, જે પ્રયોગ સફળ રહ્યો છે. 

હવે આ પ્રવૃત્તિ દરેક રાજયો અને જીલ્લાઓમાં પહોંચી ચૂકી છે. હવે લોકો સામેથી કુંડા ચકલીઘરની ડિમાન્ડ કરે છે. કુંભારભાઇઓને પણ હવે કુંડા-ચકલીઘર રાખવા પડે છે. લોકો પક્ષીઓની સેવા કરવા આતુર રહે છે. કુંડા-ચકલીઘર રાખે છે. ને કુંડાઓમાં નિયમિત પાણી ભરે છે. તરસ્યા પક્ષીઓ કુંડા ઉપર બેસી પાણી પીને પોતાની તરસ છીપાવે છે. બસ આનાંથી મોટો કયો ધર્મ હોઈ શકે? અનેક વખત પાણી ન મળવાથી પક્ષીઓ મૃત્યુને ભેટતાં હોય છે. પણ લોક જાગૃતિનાં કારણે હવે માનવજ્યોતનાં કુંડા-ચકલીઘર ઠેર-ઠેર લટકતા જોવા મળે છે. અને પક્ષી બચાવ કાર્ય આગળ ધપી રહ્યું છે. 

વરસાદ-તડકા-છાંયડામાં આ ચકલીઘરને નુકશાન થતું નથી. બિલાડી કે અન્ય પક્ષીઓ તેમાં રહેલા ઇંડા-બચ્ચાને નુકશાન પહોંચાડી શકતા નથી. રૂપકડું ચકલીઘર ઘરમાં જયાં રાખીએ ત્યાં ઘરની શોભા વધારે. આવા આકર્ષક ચકલીઘરો બ્લોક, ટેનામેન્ટની બાલ્કની છત કે મકાનોમાં ગોઠવી દેવાતાં ચકલીઓ આ ચકલીઘર સિવાય અન્ય ઘરમાં કયાં પણ માળો બાંધશે નહીં. મકાનની બહારે શોભે એવી રીતે ચકલીઘર ગોઠવી દેવામાં આવતાં ચકલીઓ એમાં ચોક્કસ માળો બાંધે છે. ચકલીઘર દિવાલ ઉપર ટીંગાડી શકાય છે તો ઝાડ ઉપર લટકાવી શકાય છે. 

જે ખુબજ સુરક્ષિત છે. માનવજ્યોત સંસ્થા દ્વારા ગામડે ગામડે આવા સુંદર માટીનાં ચકલીઘરો ઠેક-ઠેકાણે લટકાવાયાં છે. જેમાં પણ ચકલીઓએ માળા બાંધ્યા છે. અને ઇંડા-બચ્ચાં ઉછેરે છે. માટીનું કુંડું લટકાવવાથી પક્ષીઓ પાણી પીને તરસ છીપાવે છે. જીવદયાનું આ અતિ ઉત્તમ કાર્ય છે. 

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા લાંબા સમયથી પક્ષી બચાવો ભિયાન ચાલુ છે. જેને સફળતા મળી રહી છે. સંસ્થાએ પક્ષી ચણની થાળી, પાણી પીવાનાં માટીનાં કુંડા ઠેર-ઠેર મુક્યા છે. જેનાં ઉપર ચકલીઓ સહિતનાં અનેક પક્ષીઓ આવતા હોય છે. 

કચ્છનાં લોકો ઝડપી જાગૃત નહીં થાય તો હવે ચકલીઓ દેખાતી બંધ થઈ જશે. ચકલીઓને બચાવવાની જાગૃતિ નહીં આવેતો ચકી-ચકાની જુની વાર્તા સમાપ્ત થઈ જશે. 

ચકલીઓ મોટા પ્રમાણમાં આવવા તૈયાર છે. પણ તેમને સુરક્ષા જોઈએ છે. ત્યારે આવા માટીનાં ચકલીઘરો સુરક્ષા આપે છે. જે ઘરોઘર વસાવવા જોઈએ. અને માનવી અને ચકલી વર્ષો પહેલાં જેમ એક ઘરમાં રહેતાં હતા. તેમ ફરી એકજ ઘરમાં રહેવા જોઈએ. બસ ઘરમાં માત્ર એક ચકલી ઘર રાખો. ચકલી અન્યત્ર કયાં પણ માળો બાંધશે નહીં, એજ ચકલીઘરમાં માળો બાંધશે. ચકલીઓ દર વર્ષે માર્ચ માસમાં માળો બાંધવાની શરૂઆત કરે છે. એપ્રિલ-મે માસમાં માળામાં ઇંડા મુકે છે. બચ્ચાં મોટા થતાં જ ચકલી બચ્ચાંને લઇ ઉડવા ચાલી જાય છે. ચકલીઘર થોડાક સમય માટે ખાલી પડયુ રહે છે. રી સિઝન આવે તેનો ઉપયોગ ચકલીઓ ચોક્કસ કરે છે. માટીનાં ચકલીઘરો ઘણાં જ લાંબા સમય સુધી ચાલે છે. અને ચકલીઓને હવે આ ઘર ફાવી યું છે. 

ચાલો આપણે સૌ ગીધ, સમડી, કાગડા, કાબર, કબૂતર, હોલા, પોપટ જેવા પક્ષીઓ સાથે રૂપકડી ચકલીઓને પણ બચાવીએ….પક્ષીઓ હશે તોજ માનવી હશે. ચકલીઓનું ચક ચક ચીં… ચકોને નગમે? 

તો આવો મિત્રો… આવો બાળકો…. આપણે પણ આ વાત સમજીએ જાગૃત બનીએ. પક્ષીઓને બચાવીએ… સાથે સાથે જીવદયાનું પણ સુંદર કાર્ય કરીએ

આ કાર્યમાં શ્રી સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદ ઠક્કર, શંભુભાઈ જોશી, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, મુરજીભાઈ ઠક્કર, દિપેશ શાહ, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા તથા માનવજ્યોતની પૂરી ટીમ ઠેર-ઠેર ચકલીઘરો લગાડી જીવદયાનું આ કાર્ય કરી રહ્યું છે. પાણીનું કુંડ દરરોજ સાફ કરી તેમાં સ્વચ્છ પાણી ભરવા લોકોને અપીલ કરવામાં આવે છે.