પશ્ચિમ બંગાળનો ૨૮ વર્ષિય યુવાન બેડન છેલ્લા ૩ વર્ષથી ગુમ હતો. પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. પરિવારજનો ખૂબ જ દુઃખી હતા. ગરીબ અને નાનો એવો પરિવાર પુત્ર બેડન ઘરે આવશે તેવી રાહ જોઈ બેઠો હતો. ચિંતા અને રાહ જોવામાં ૩ વર્ષ પૂરા થવા આવ્યા હતા. મજુરીકામકરી પોતાનું પેટિયું રેડતા પરિવારની મુશ્કેલીઓનો પાર ન હતો. હવે કોણ તેમને મદદ કરે? કોણ આ પરિવારની વાત સાંભળે? ગુમ થયેલ પરિવારનો એક માત્ર યુવાન પુત્ર ઘરે પાછો કયારે આવશે તેવી ચિંતા મા-બાપને સતત સતાવતી રહી.
માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને ૪ મહિના પહેલા આ યુવાન ખાવડા રોડ ઉપરથી મળી આવ્યો હતો. માનવજ્યોતે તેની સારી સારવાર ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છ મધ્યે તે ક્રિકેટ રમતો અને યોગા પણ કરતો. આખરે તેની પાસેથી મળેલ માહિતી મુજબ તેને તેના ઘર સુધી પહોંચાડવા શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતને સોપવામાં આવ્યો. કર્જતની શ્રદ્ધા ફાઉન્ડેશનની ટીમ તેનાં ગામ અને ઘર સુધી પહોંચી ત્યારે પરિવારનાં માતા-પિતા સાથે મિલન થતાં તેમને ભેટી પડયો હતો. બાપની આંખોમાં આંસુનાં પૂર વહ્યાં હતા. ગરીબ અને નાના એવા પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો.
માનવજ્યોત અને શ્રદ્ધા ફાઉન્ડેશનનો આભાર માન્યો. માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, પંકજ કરૂવા, મહેશભાઈ ઠક્કર, વાલજી કોલી, આનંદ રાયસોની,દિપેશ શાહ, શંભુભાઈ જોશી, કનૈયાલાલ અબોટી સહભાગી બન્યા હતા.

