બંને મહિલાઓને તેમના ઘર સુધી પહોંચાડાઇ પરિવારજનો સાથે બે વર્ષ પછી થયું મિલન

મહારાષ્ટ્રનાં જાલના અને સતારા શહેરોની બે અલગ-અલગ મહિલાઓ અનેક રાજ્યોમાંથી થઇ રેલ્વે મારફતે ભુજ પહોંચી હતી. માનવજ્યોત સંસ્થાને ભુજ વિસ્તારમાંથી મળી આવતાં તેમને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા -કચ્છ મધ્યે રાખી સારવાર આપવામાં આવતાં તેઓ ૧૫ દિવસમાં સ્વસ્થ બની હતી.

સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરી તેનાં પતિદેવોને શોધી કાઢ્યા હતા. પણ બંનેનાં પતિઓએ રાખવાની ના પાડી હતી. બંને મહિલાઓને સાથે લઇ
સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જાલના અને સતારા શહેરોમાં તેમના પિયર સુધી પહોંચ્યા હતા. બંને મહિલાઓને તેમના પિયરજનોને સુપ્રત કરાઇ ત્યારે બંનેના બાળકોએ પણ માતા ઘરે આવ્યા અંગે ખુશી વ્યક્ત કરી હતી. બે વર્ષ પછી માતા-પુત્રો અને પરિવારનું મિલન થયું હતું.

બંને મહિલાઓ ગીત સંગીતની શોખીન હતી. મીઠા મધુરા સ્વરે હિન્દી ગીતો ગાઇ સોને આશ્ચર્ય ચકિત કરી દેતી. આખરે બંને મહિલાઓ બે વર્ષ પછી સુખરૂપે ઘર સુધી પહોંચી છે. બંને યુવાન મહિલાઓ ઘર સુધી પહોંચતા પરિવારનાં દરેક સભ્યોએ તેમને હોશેથી વધાવી લીધેલ.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પંકજ કુરૂવા, જયેશ લાલન, કલ્પનાબેન લાલન, દિલીપ લોડાયા, વાલજી કોલી, મનીષ મારાજ સહભાગી બન્યા હતા. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બંને મહિલાઓને હેમખેમ મહારાષ્ટ્રનાં તેમના ઘર સુધી પહોંચાડી આવેલ.