માનવજ્યોત સંસ્થા ભુજનો ૧૯માં વર્ષમાં પ્રવેશ શ્રી રામદેવ સેવાશ્રમપાલારાનો પાંચમાં વર્ષમાં પ્રવેશ

ભુજ અને કચ્છભરમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન લક્ષી પ્રવૃત્તિઓ કરતી માનવજ્યોત સંસ્થાએ ૧૮ વર્ષ પૂરા કરી ૧૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જયારે પાલારા પાસે આવેલા શ્રી રામદેવ સેવાશ્રમે ચાર વર્ષ પૂરા કરી પાંચમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા ૧૦૩૪ માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી જુદા-જુદા રાજ્યોમાં પોતાનાં શહેર-ગામઅને ઘર સુધી પહોંચાડી દીધા છે. દૂર-દૂરનાં રાજ્યોનાં અનેક પરિવારોમાં ખુશી છવાઇ છે. ગુમથયેલા માનસિક દિવ્યાંગોનું પાંચ, દશ,પંદર, વીશ, પચ્ચીસ વર્ષ પછી પરિવારજનો સાથે મિલન કરાવ્યું છે.

તા. ૨-૭-૨૦૧૭નાં પાલારા પાસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમનિર્માણ પામ્યું. આ સ્થળેથી ૪ વર્ષમાં કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા ૪૬૫ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર સુધી પહોંચ્યા છે. આ કાર્યમાં કર્જતની શ્રદ્ધા ફાઉન્ડેશન સંસ્થાનો સિંહ ફાળો પણ ખૂબજ ઉલ્લેખનીય છે.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઇ ઠક્કર, રમેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, રફીક બાવા, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, સહદેવસિંહ જાડેજા, મુરજીભાઇ ઠક્કર, આનંદ રાયસોની તથા સમગ્ર કાર્યકરોની ટીમસેવાઓ આપી રહી છે.