માનવજ્યોત દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઇ 3500 કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

ભુજનાં રીજીયોનલ સાયન્સ સેન્ટર અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સાયન્સ સેન્ટર મધ્યે પ્રોજેકટ ડાયરેકટર વિરલભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં “વિશ્વ ચકલી દિવસ,, ઉજવાયો હતો. ફેસીલીટી મેનેજર આરતીબેન આર્યે પ્રાસંગિક વક્તવ્ય આપતાં લૂપ્ત થતી ચકલીઓને બચાવી લેવા, તેમને રહેણાંકની વ્યવસ્થા કરી આપવા સમજપૂરી પાડી હતી. અદ્રશ્ય થઇ રહેલી ચકલીઓને પડતી અનેક મુશ્કેલીઓ વર્ણવી હતી.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, મહાઝુંબેશ કચ્છનાં ગામડા શહેરોમાં પહોંચી છે. સંસ્થા દ્વારા લગાડવામાં આવેલા ચકલીઘરોથી ચકલીઓ સારા પ્રમાણમાં દેખાવા લાગી છે. તેમને ચણ-પાણી-રહેણાંકની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું.

શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આપણી સાથે ઘરમાં રહેતું રળિયામણું પક્ષી ચકલી આપણાથી અલગ પડી ગયું છે. આપણે આપણી વ્યવસ્થા કરી લીધી પણ નાનકડા પક્ષીની વ્યવસ્થા કરતાં ભૂલી ગયા. પરિણામે ચકલીઓનો કલરવ અને અવાજ ઓછો થતો ગયો છે.

આ પ્રસંગે 200 બાળકોને કુંડા-ચકલી ઘર અર્પણ કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન શૈલ પલણે કર્યું હતું. વ્યવસ્થા મેટેનેન્સ મેનેજર લક્ષ્યભાઇ પટેલ તથા ચિંતનભાઇ આર્યે સંભાળી હતી.

માનવજ્યોત દ્વારા બેનરોથી શણગારેલા વાહન સાથે ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે સાઉન્ડ સીસ્ટમનાં સથવારે રાહદારીઓ-વાહનચાલકો તથા નાગરિકોને કુંડા તથા ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વાહન ફરી વળ્યું હતું. વિશ્વ ચકલી દિવસનું મહત્વ સમજાવવામાં આવેલ.

છાપરા નીચે ચકલી ઘરો લટકાવવામાં આવ્યા હતા. શાળાઓ, મંદિરો, કોલેજમાં ચકલીઘરો પહોંચાડાયા હતા. ગામડા અને શહેરોમાં અનેક સંસ્થાઓ માનવજ્યોત સાથે જોડાઈ વિતરણ કાર્યમાં સહકાર આપ્યો હતો.

ચકલી ઘર-કુંડા વિતરણ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, ગોવિંદભાઇ પાટીદાર, કનૈયાલાલ અબોટી, વિનેશભાઇ સાધુ, વેલજીભાઇ આહિર, નીતિન ઠક્કર, પ્રદિપભાઇ ઠક્કર, રફીક બાવા તથા સંસ્થાનાં સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.

સવારથી જ વિશાળ સંખ્યામાં લોકો ચકલીઘર-કુંડા લેવા માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચ્યા હતા. દિવસ દરમ્યાન 3500 કુંડા-ચકલીઘર વિતરણ કરાયા હતા.