આંધ્રપ્રદેશનો યુવાન ૧ વર્ષ પછી ઘરે પહોંચ્યો. પરિવાર સાથે થયું ફેર મિલન

આંધ્રપ્રદેશનાં વિજયનગરમ્ જિલ્લાનાં નરશીમનપેઠનો ૩૮ વર્ષિય યુવાન લક્ષ્મણ ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતો-ભટક્તો અન્ય રાજ્યોમાંથી થઈ કચ્છનાં માંડવી બંદર સુધી પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે ૪ મહિના પહેલા તેને માંડવીથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે લઈ આવી મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. 

માનવજ્યોત સંસ્થાએ તેને કર્જત મળે શ્રદ્ધા ફાઉન્ડેશનમાં મોકલ્યો હતો. શ્રદ્ધા રીહાબિલીટેશન ફાઉન્ડેશને તેને આંધ્રપ્રદેશ તેનાં ગામ અને ઘર સુધી પહોંચાડયો હતો. ઘરે તેની રાહ જોઈ રહેલા માતા, પત્ની, તથા દીકરી સાથે ૧ વર્ષ પછી મિલન થતાં પરિવારમાં ખુશી છવાઈ હતી. મિલન વખતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આંખોમાં આંસુ વહી નીકળ્યા હતા. પરિવારજનોએ માનવજ્યોત તથા શ્રદ્ધા ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનો સહકાર પ્રાપ્ત થયો હતો. 

માનવતાનાં આ કાર્યમાં પંકજ કરૂવા, રફીક બાવા, દિલીપ લોડાયા, મહેશ ઠક્કર, આનંદ રાયસોની, દિપેશ શાહ તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા.