રાજકોટની ગુમ મહિલા ભુજમાંથી મળી ૧૫ દિવસ પછી પરિવારજનો સાથે થયું મિલન

રાજકોટ શહેરનાં મોરબી જકાત નાકા વિસ્તાર, સેટેલાઇટ ચોક વિસ્તારની એક ૪૮ વર્ષિય સ્વસ્થ અને ખાનદાન પરિવારની મહિલા ગુમ થતાં પરિવારજનોએ રાજકોટ-ગોંડલ વિસ્તારમાં તેની સતત શોધ ચલાવી હતી. દશ દિવસ સુધી તે  સતત રખડતી-ભટકતી રહી હતી. ત્યાર બાદ રાજકોટથી બસ મારફતે તે અચાનક ભુજ આવી ચડી હતી. કોઇકે તેને બસમાં ટીકીટ કઢાવી આપેલ. ભુજમાં ઉતરી રીક્ષા મારફતે રામરોટી કેન્દ્ર સુધી પહોંચી હતી. રામરોટી કેન્દ્રનાં સંચાલકોએ તેને પ્રેમથી  ભોજન કરાવ્યું હતું. અને ત્યાર બાદ માનવજ્યોત સંસ્થાને જાણ કરતાં જ સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે મહિલાને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપ્યો હતો. મહિલા પાસેથી મળેલી માહિતીનાં આધારે શ્રી મુનવરે રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જ્યાં ગુમ નોંધ ઉપરથી મહિલાનાં પરિવારજનોને શોધી તેઓનો સંપર્ક કરતાં મહિલાને શોધવા રાત-દિન એક કરી નાખનારા પરિવારનાં,  મહિલાનાં પુત્ર તુરત જ  ભુજ આવવા રવાનાં થયા હતા.  ભુજ આવી પોતાની માતાનો કબ્જા લઇ ખુશી વ્યક્ત કરી હતી. માતા-પુત્ર ભેટી પડ્યા હતા. અને બંનેની આંખોમાં હર્ષનાં આંસુ વહ્યાં હતા. આખરે ૧૫ દિવસ પછી મહિલા ઘરે પહોંચતા પરિવારજનોએ ખુશી માનવી માનવજ્યોત સંસ્થા ભુજનો આભાર માન્યો હતો. માનવતનાં આ કાર્યમાં રફીક બાવા, દિપેશ શાહ, આનંદ રાયસોની, કિશોર કેનિયા, વિનોદ મારાજ, ક્રિષ્ના પટેલ સહભાગી બન્યા હતા.