Activities, News/Events
‘મિલેસૂર હમારા’ સંસ્થા દ્વારા દેશભક્તિ ગીત કાર્યક્રમયોજાયો સૌ દેશભક્તિ રંગે રંગાયા
‘મિલેસૂર હમારા’ સંસ્થા દ્વારા દેશભક્તિ ગીત કાર્યક્રમયોજાયો સૌ દેશભક્તિ રંગે રંગાયા
પંદરમી ઓગષ્ટ સ્વાતંત્રદિનની પૂર્વ સંધ્યાએ ‘‘મિલે સુર હમારા વુમન્સ કરાઓકે સિંગિંગસ્ટાર’’ અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકમભવન ભુજ મધ્યે દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતિ રેશ્માબેન ઝવેરી, કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચાનાં અધ્યક્ષા ગોદાવરીબેન ઠક્કર, પૂર્વ ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય, શ્રદ્ધા હાઇસ્કુલ કોલેજ માધાપરનાં આચાર્યા રીટાબેન અધ્યારૂ, કલ્પનાબેન ચોથાણીના અતિથિવિશેષ પદે યોજાયો હતો.
પ્રારંભે મિલેસૂર હમારા સંસ્થાનાં પ્રમુખ શ્રીમતિ પૂજાબેન અયાચીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સંસ્થાનાં દરેક બહેનોએ દેશભક્તિનાં ગીતો રજુ કર્યા હતા. દિવ્યાંગ માતા-પિતા રેણુકાબેન અને મેહુલભાઇ કેશવાણીની ૧૦ વર્ષીય પુત્રીએ દેશભક્તિનું ગીત રજુ કરી સૌનાં દિલ જીત્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ તેને રોકડ પુરસ્કારથી નવાજેલ. દરેક બહેનોનાં દેશ-ભક્તિનાં ગીતો એક-બીજાથી ચડિયાતા અને સંગીતનાં સથવારે રજુ કરાયા હતા. જેને દર્શકોએ તાડીનાં ગડગડાટથી વધાવેલ.
પૂજાબેન અયાચી, જીજ્ઞાબેન ડાભી, રક્ષાબેન ઠક્કર, હાર્દિ ગોર, સરોજબેન શુક્લા, તન્વી પોમલ, ઐશ્વર્યા કેશવાણી, કલાબેન રાવલ, ભારતીબેન ભાટિયા, હેમાલી ઠક્કર, વર્ષાબેન ડાભી, બંસરીબેન ઠક્કરે દેશભક્તિ ગીતો રજુ કર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત શ્રી ગોદાવરીબેન ઠક્કરે બંને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અને ભાગ લેનાર સર્વે બહેનોને અભિનંદન આપ્યા હતા.
ભુજ નગરપાલિકા ઉપાધ્યક્ષ શ્રીમતિ રેશ્માબેન ઝવેરીએ જણાવ્યું હતું કે, બીજાનાં આનંદ માટે ફાળવેલ સમય પણ સેવા છે બધાય દેશભક્તિનાં રંગે રંગાયા છીએ. સંગીતથી ખૂબ જ સરસ સાધના થઇ રહી છે. સ્ટેજ ઉપર આવીને સરસ રીતે ગાઇ જવુંએ કાબીલે દાદ છે.
રીટાબેન અધ્યારૂએ જણાવ્યું હતું કે, સુંદર સાંજે સુંદર દેશભકિત ગીતો સાંભળવા મળ્યા. સંગીતથી માંદગી અને માનસિક ત્રાસમાંથી મુક્તિ મળે છે. સુશીલાબેન આચાર્યે બંને સંસ્થાઓની પ્રવૃત્તિને બિરદાવી હતી.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને મહિલાઓ માટેના કાયદાની સમજ પૂરી પાડી હતી. કાર્યક્રમનું સંચાલન અનિતાબેન વર્મા તથા હેતલબેન ગોરે જયારે આભાર દર્શન પૂજાબેન અયાચીએ કરેલ.
ભાગલેનાર દરેક બહેનોને માનવજ્યોત દ્વારા સન્માનિત કરવામાં આવેલ. વ્યવસ્થામાં સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, રફીક બાવા, મુરજીભાઇઠક્કર, નરશીભાઇ પટેલે સહકાર આપ્યો હતો.

