ઓરિસ્સાનો યુવાન ૧૫ વર્ષે ઘરે પહોંચ્યો ભુજમાં બંને ભાઇઓનું થયું મિલન પરિવાર અને ગામમાં ખુશી છવાઇ ગઇ

<p>ઓરિસ્સા રાજ્યનાં પુરી જિલ્લાનો ૩૦ વર્ષિય યુવાન ગોળબાબુ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ભારતનાં જુદા-જુદા રાજ્યો અને શહેરોમાં થઇ તે માંડવી-કચ્છ સુધી પહોંચ્યો હતો.</p>
<p>જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને ત્રણ મહિના પહેલા માંડવી શહેરનાં બંદર રોડ ઉપરથી યુવાન ગોળબાબુ ઉ.વ. ૪૫ મળી આવતાં તેને સંસ્થાનાં વાહન દ્વારા ભુજ લઇ આવી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખવામાં આવેલ. જયાં તેને ડો. મહેશભાઇ ટીલવાણી તથા ડો. જે.વી. પાટનકર દ્વારા સારી સારવાર મળતાં તે ધીરે ધીરે સ્વસ્થ બનતો ગયો. સંસ્થાનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ તેની પાસેથી મળેલી માહિતીના આધારે ઓરિસ્સા પોલીસની મદદ લઇ તેનો પરિવાર શોધી કાઢ્યો હતો. ગોડબાબુનાં ભાઇ ઉપપ્રતાપચંદ તેને લેવા ભુજ સુધી આવી પહોંચ્યા હતા. બંને ભાઇઓનું ૧૫ વર્ષે મિલન થતાં લાગણી ભીનાં દ્રશ્યો સર્જાયા હતા. તેનાં ભાઇએ જણાવ્યું હતું કે, ૧૬ વર્ષ પહેલાં પિતાનું મૃત્યુ થતાં ગોળબાબુ માનસિક સમતુલા ગુમાવી બેઠો હતો. અને તેણે ઘર છોડ્યું હતું. પિતાની લાગણી છિનવાઇ જતાં તે ખૂબ જ દુઃખી બન્યો હતો. તેનાં ભાઇએ જણાવ્યું હતું કે, માતા પાર્વતીબાઇ છેલ્લા ૧૫ વર્ષથી ગુમ થયેલા ગોળબાબુની ચિંતામાં રૂદન સાથે જમીન ઉપર માથું ભટકાવી રહી હતી. વિડિયો કોલથી માતાએ ગોડબાબુનું મોઢું જાઇ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. તેનાં પરિવાર અને ગામમાં ખુશી છવાઇ ગઇ હતી. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, રફીક બાવા, રિતુબેન વર્મા, કિશોરભાઇ કેનીયા, વિનોદ મારાજ, વાલજી કોલી, બાબુલાલ જેપાલ, વિકાસ મેરએ સહકાર આપ્યો હતો.</p>