બિહારનાં કિશનગંજ જીલ્લાનાં ઠાકુરગંજનો મુસ્લિમ યુવાન અનવરલુ ઉ.વ. 17 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ત્યાર પછી તે દેશનાં જુદા-જુદા રાજ્યોમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. કોઇક
રાજ્યનાં કોઇક શહેરમાં વાડીએ નોકરી લાગ્યો. મશીનથી ઘાસચારો કાપતાં મશીનમાં તેનો જમણો હાથ આવી જતાં તેનો અડધો હાથ કપાઇ ગયો હતો. ત્યાર બાદ અન્ય શહેરની હોટેલમાં કામે લાગ્યો. ત્યાં ઝઘડો થતાં
તેને માથામાં ઇજા થઇ હતી. ત્યાંથી નીકળ્યા બાદ તે રઝળતો-ભટકતો સોમનાથનાં “નિરાધારનો આધાર,, આશ્રમે પહોંચ્યો હતો. સંસ્થાનો તે 1 મહિનાનો મહેમાન બન્યો. સંસ્થાનાં સંચાલકોએ તેની સારી સરભરા કરી.
માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તેને સોમનાથ થી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવ્યા. માત્ર 10 દિવસમાં બિહાર પોલીસની મદદ લઇ તેનું ઘર પરિવાર શોધી કઢાયા. તેનો ભાઇ
તોહીર આલમ તેને તેડવા ભુજ આવી પહોંચ્યો. સુખી,સંપન્ન પરિવારજનો એ તેને 12 વર્ષ પછી હાથ કપાયેલી અવદશામાં જોઇ ધ્રુસકે-ધ્રુસકે રડી તેને ભેટી પડ્યા હતા. બંને ભાઇઓની આંખોમાં અશ્રુનાં પુર વહ્યા. 12 વર્ષ
પછી પણ તેણે પોતાનાં મોટા ભાઇને ઓળખી લીધો હતો. તોહિર આલમે વીડીયો કોલ કરી ભાઇ-બહેનો સાથે વાત કરાવતાં પરિવારજનોએ દુઃખ અને હર્ષની લાગણી સાથે તેની ભાષામાં વાતચીત કરી હતી. યુવાન
અનવરલુ ગુમ થતાં તેની ચિંતામાં માતા મૃત્યુ પામી હતી.
તેના મોટાભાઇ તોહીર આલમનાં લગ્ન નાનાભાઇની ગેરહાજરીમાં થયા.જેને બે બાળકો છે. વીડીયોકોલથી ગુમ યુવાન અનવરલુએ તેની ભાભી અને ભત્રીજાઓને જોઇ મોટાભાઇને પૂછયું લગ્ન કયારે થઇ ગયા ? તેની નાની
બહેનના લગ્ન દીલ્હી મધ્યે થયા છે. જેની સાથે પણ વીડીયો કોલથી વાતચીત કરી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજનાં સફળ પ્રયત્નોથી મુસ્લિમ પરિવારનાં 29 વર્ષનાં થઇ ચુકેલા અને બાર વર્ષથી ગુમ યુવાનને માત્ર દશ દિવસમાં ઘર શોધી અપાતા પરિવારજનોએ માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, દીપેશ શાહ, પંકજ કુરવા, વાલજી કોલી, દિલીપ લોડાયા, હિતેશ ગોસ્વામી સહભાગી બન્યા હતા.

