સાંસદશ્રીએ સ્વહસ્તે માનસિક દિવ્યાંગોને ગરમ વસ્ત્રો પહેરાવ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને ગરમ વસ્ત્રો સ્વહસ્તે પહેરાવી કચ્છ અને મોરબી વિસ્તારનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ તેમને ઠંડી સામે રક્ષણ અપાવ્યું હતું.

આશ્રમની મુલાકાતે આવેલા સાંસદશ્રી ને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રમેશભાઇ માહેશ્વરીએ આવકાર આપ્યો હતો. સાંસદશ્રીએ સંસ્થાની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અરિહંત મહિલા મંડળનાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થામાં ગુલાબ મોતા, આનંદ રાયસોની, દિપેશ શાહ તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.