માની મમતા, કરૂણા, પ્રેમની અનોખી દાસ્તાન ઉત્તરપ્રદેશનાં વૃદ્ધા છ વર્ષે ભુજમાંથી મળ્યા

ઉત્તરપ્રદેશનાં જાલૌન જીલ્લા, ઉરઇ તાલુકાનાં બોહદપુરા ગામના ૭૫ વર્ષિય વૃદ્ધ મહિલા મીથીલાદેવી બાલકૃષ્ણ શુક્લા છ વર્ષ પહેલા વર્ષ -૨૦૧૬ માં ગુમથયા હતા. ધનવાન પરિવારનાં વડીલ ગુમથતાં પરિવારજનોએ તેમની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાં મુશ્કેલી વેઠી આખરે આ વૃદ્ધ ભુજ પહોંચ્યા હતા. પગેચાલી ભુજ નજીકનાં નાગોર ગામે પહોંચ્યા હતા. અને નાગોર ગામનાં આઠ દિવસનાં મહેમાન બન્યા હતા. નાગોરનાં સેવાભાવી હીરેનભાઇ ચૌહાણ જે સીલાઇનું કામકરે છે, તેઓએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનો સંપર્ક કરતાં જ માજી ને માનવજ્યોતનાં વાહન મારફતે શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છ મધ્યે લઇ આવી માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજના મનોચિકિત્સક ડો. જે.વી. પાટનકર પાસેથી સારવાર શરૂ કરી દેવામાં આવી. આશ્રમસ્થળે તેમની દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી. તેઓ મુશ્કેલીમાંથી બહાર આવ્યા. અને ધીરે ધીરે સ્વસ્થ બનવા લાગ્યા. આશ્રમનાં પણ તેઓ ૨૧ દિવસનાં મહેમાન બન્યા. સંસ્થાનાં સામાજિક કાર્યકર બાબુલાલ નારણભાઇ જેપાલે માજી પાસેથી મળેલી માહિતીનાં આધારે ત્યાંની પોલીસનો સંપર્ક કરી તેઓનું ઘર અને પરિવાર શોધી કાઢતાં પરિવારજનો ખૂબ જ ખુશ થયા. અને વીડીયો કોલથી માતાની ઓળખવિધિ કરાવી ટ્રેન કે બસની રાહ જોયા વિના, ધનવાન પરિવારજનો પોતાની માતાને લેવા પોતાની કારમાં ત્રીજા દિવસે ભુજ આવી પહોંચ્યા.

પુત્ર સત્યનારાયણ તથા સંદીપતિવારી માની મમતા, કરૂણા પ્રેમની લાગણીઓ ભૂલી ન શકયા. માતાને ભેટતાં જ સૌની આંખો અશ્રુભીની બની ગઇ. તેઓનાં જણાવ્યા મુજબ માતાના ૪ દિકરાઓને ૨ દિકરીઓ છે. અમારૂં પરિવાર ધનવાન છે. છ વર્ષ પહેલાં પોલીસમાં ગુમસુદા નોંધ પણ કરાવેલ છે. અનેક રાજ્યોમાં શોધખોળ ચલાવી પૈસાનું પાણી કર્યું છે.

મથુરા-વૃંદાવન દર્શનાર્થે ગયેલા ત્યાંથી તેઓ ગુમથયા પછી કયાં પણ તેમનો અતો-પતો નમળતાં પરિવાર નિરાશ અને દુ:ખી હતો. આખરે “મા,, મળતાં પરિવારજનો હર્ષ ઘેલા બન્યા હતા. માનવજ્યોતનાં સંચાલકોએ નાપાડવા છતાં સંસ્થાને રૂા. ૫૧૦૦ નું અનુદાન આપ્યું હતું. આખરે છ વર્ષ પછી માતા ઘરે પરત ફરતાં પરિવરાજનોએ ખુશી મનાવી હતી.

માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, બાબુલાલ જેપાર, દીપેશ શાહ, પંકજ કુરૂવા, વાલજી કોલી તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા.