મહારાષ્ટ્રના યવતમલ જીલ્લાનાં નાયકનગરનો યુવાન નીલેશ રાઠોડ ઉંમર વર્ષ 32 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે દેશનાં અનેક રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં રખડતો- ભટકતો રહ્યો હતો. પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી.
આખરે તે રખડતો-ભટકતો ગુજરાતનાં અરવલ્લી જીલ્લાનાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલકો અશોકભાઇ જૈન તથા સર્વે ટ્રસ્ટીઓ, કાર્યકરોએ તેની ખૂબ સેવા કરી.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ તેડી આવી તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપી, તેનાં પાસેથી મળેલી માહિતીનાં આધારે યવતમલ પોલીસનો સંપર્ક કરી તેનાં ગામ, પરિવાર શોધી કાઢ્યા હતા. સમાચાર મળતાં જ પરિવારમાં ખુશી છવાઇ ગઇ. તેની પત્ની સુનિતા ભુજ આવી પહોંચી હતી. આઠ વર્ષ પછી પતિ- પત્નીનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. તેની પત્નીનાં જણાવ્યા મુજબ તેને ત્રણ બાળકો છે. બાળકો પિતા ઘરે આવવાની રાહ જોઇ બેઠા છે. છેલ્લા આઠ વર્ષથી પરિવારનું ગુજરાત હું ચલાવું છું. બાળકો પણ હવે મોટા થઇ ગયા છે. નીલેશ આજે 40 વર્ષનો થઇ પોતાના પરિવાર વચ્ચે પહોંચ્યો છે.
માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, સહેદવસિંહ જાડેજા, દિપેશ શાહ, આનંદ રાયસોની સહભાગી બન્યા હતા.