જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિને માનસિક દિવ્યાંગો સાથે અનોખી રીતે ઉજવણી

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિન નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા માનવતાભર્યો સેવાકીય કાર્યક્રમ યોજી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી. રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે રહેતા માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનોને ભાવતું ભોજન કરાવી તેમના ચહેરા પર ખુશીની લાગણી લાવવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદના વરદ્ હસ્તે સેવાશ્રમમાં રહેતા માનસિક દિવ્યાંગોને કેક ખવડાવી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો તથા કાર્યકરો દ્વારા માનસિક દિવ્યાંગોને પ્રેમ અને લાગણીપૂર્વક ભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું.

જન્મદિવસની ઉજવણીને માત્ર શુભેચ્છાઓ પૂરતી સીમિત રાખવાને બદલે સમાજના જરૂરિયાતમંદ અને દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે ખુશીની ક્ષણો વહેંચી સેવાભાવના સંદેશને સાર્થક કરવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિથી સેવાશ્રમમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું.

આ પ્રસંગે ભુજ નગરપતિ શ્રી શીતલભાઈ શાહ, ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી કમલભાઈ ગઢવી, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હિતેશભાઈ ખંડોલ, ભુજ શહેર ભાજપ અધ્યક્ષ શ્રી મીત ઠક્કર, જયેશ ઠક્કર, રવિભાઈ ગરવા, પરસોતમ મારવડા, પ્રકાશભાઈ ડગરા, નીલેશ મહેશ્વરી, ભરત બડગા, લાલજી માતંગ, અનિલ ધુવા, ભરત રોસીયા, નીલેશ દાફડા, પ્રવિણ ગરવા, દેવજી સીજુ સહિત અનુસૂચિત મોરચાના આગેવાનો તથા કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત સૌ આગેવાનોએ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમના સુખમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

સેવાશ્રમે પધારેલા તમામ મહેમાનોનું માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે હૃદયપૂર્વક મીઠડો આવકાર કરી સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સેવાભાવ અને માનવતાની ભાવનાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યું હતું.