બિહારની ગુપ્ત પાંચ સંતાનોની માતા ભુજમાંથી મળી ૧ વર્ષથી ગુમ મહિલાનું ચાર દિવસમાં પતિ સાથે થયું મિલન

બિહારનાં બારોની વિસ્તારની પાંચ સંતાનોની માતા છેલ્લા ૧ વર્ષથી ગુમ હતી. પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં પત્નીએ અચાનક ઘર છોડ્યું હતું. અને તે જુદા-જુદા રાજયોમાં રખડતી-ભટકતી રહી હતી. ૧ વર્ષ પછી તે ટ્રેન મારફતે અચાનક ભુજ આવી પહોંચી હતી. ભુજ શહેરનાં વિજયનગર વિસ્તારમાં રાત્રે ૧૦ વાગે પોલીસ સી ટીમનાં શીલતબેન નાઇ, ગાયત્રીબેન બારોટ, રમીલાબેન શાહ, ભાવનાબેન બરાડીયા, જયશ્રીબેન સાધુની નજરે ચડી હતી. તેની પૂછપરછ કરતાં તે અસ્વસ્થ જણાઇ હતી. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તાત્કાલિક-આશ્રય સ્થાન આપવામાં આવ્યું. બીજા દિવસે તેને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજ મધ્યે એડમીટ કરાવી તેની સારવાર કરાવવામાં આવી.

ત્રીજા દિવસે આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ બિહાર પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢ્યું. પતિ ચંદનભાઇ તુરત જ ભુજ આવવા રવાનાં થયા. અને ભુજ આવી પહોંચ્યા. આશ્રમ સ્થળે પતિ-પત્નીનું એક વર્ષ બાદ મિલન થયું. બંને એકબીજાને હાર પહેરાવી હર્ષભેર આવકાર્યા અને આખરે પાંચ સંતાનોની માતા પોતાનાં ઘર સુધી પહોંચતા નાના બાળકો ખૂબ જ ખુશ થયા હતા. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, પ્રતાપ ઠક્કરે સહયોગ આપ્યો હતો.