ઝારખંડનાં પિતા-પુત્ર અને પતિ-પત્નિનું ૧૨ વર્ષે થયું મિલન ઝારખંડના સાંસદ પરિવારની મદદે આવ્યા

ઝારખંડ રાજ્યનાં રાઠી જીલ્લા, સીલી તાલુકાનાં બારાચાંગડુ ગામો યુવાન કૃષ્ણ લોહરા ઉ.વ. ૪૮ ગુમ થતાં પરિવારજનોએ સતત ચિંતા સેવી તેની શોધખોળ છ વર્ષ સુધી ચાલુ રાખી હતી. પુત્રનાં લગ્ન થવાના હતા. પણ પિતા ગુમ થતાં પુત્રનાં લગ્ન રદ થયા હતા. બાદમાં ગામ અને સમાજવાસીઓનાં માર્ગદર્શનથી તેને મૃત ઘોષિત કરી તેની શાસ્ત્રોક્ત વિધિ સાથે સારામણું
પૂરું કરી દેવામાં આવ્યું.

અનેક રાજ્યોમાંથી રખડતો-ભટકતો આખરે ૧૨ વર્ષ પછી આ યુવાન માંડવી તાલુકાંનાં કોડાય ગામમાંથી નાનાભાડીયાનાં માનવજ્યોતના કાર્યકર દેવાંગભાઇ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવીને મળી આવતા તેને માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પોતાનાં વાહનથી પહોંચાડેલ. જ્યાં આશ્રમનાં સંચાલક તથા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર અને સમગ્ર ટીમે તેની ખૂબજ સારી સેવાઓ સાથે સરભરા કરી. આશ્રમનાં સામાજિક
કાર્યકર રીતુબેન વર્માએ ઝારખંડ પોલીસની મદદ લઇ તેનું ઘર-પરિવાર શોધી કાઢયા હતા.

ગરીબ પરિવારની મદદે ઝારખંડના સાંસદ આવ્યા. રેલ્વે કોટામાંથી તેમને ટીકીટ કઢાવી આપી, માનવતાના આ કાર્યમાં પ્રાણ પૂર્યા. તેની પત્ની પરિ લોહરા તથા પુત્ર વિનોદ લોહરા તેનો કબ્જો લેવા ભુજ આવી પહોંચ્યા હતા.

પતિ-પત્નીનું ૧૨ વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આંખોમાં આંસુનાં પુર વહ્યાં હતા. આખરે તે ૬૦ વર્ષનો થઇ પોતાનાં ઘર સુધી જવા પ્રયાણ કર્યું ત્યારે કચ્છ જીલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજાએ મિલન સમયે ઉપસ્થિત રહી વર્ષો પછી થયેલા મિલન અંગે ખુશી વ્યક્ત કરી, માનવજ્યોતનાં કાર્યની સરાહના કરી હતી. અને સંસ્થાની પ્રવૃત્તિઓને
બિરદાવી હતી. કચ્છ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુરસોત્તમભાઇ મારવાડા, ઇશ્ર્વરભાઇ મહેશ્ર્વરી પણ સાથે રહ્યા હતા.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, દીપક મોમાયા, વાલજી કોલી સહભાગી બન્યા હતા.