મધ્યરાત્રિએ ગાંધીનગર-ભુજ ટ્રેનમાં ભુજ રેલ્વે સ્ટેશનને ઉતરેલી એકલી-અટુલી-સ્વરૂપવાન મહિલા મુંઝાઇ ગઇ. 30 વર્ષિય આ મહિલા ટ્રેનમાંથી બધા જ મુસાફરો ઉતરી ગયા પછી પણ પ્લેટફોર્મ ઉપર ઉભેલી નજરે પડી.
ત્યાર બાદ ગેટ પાસે ઉભી રહી. હવે જવું તો પણ કયાં જવું એવું વિચારતી રહી.
સ્વરૂપવાન અને પંજાબી ડ્રેસમાં સજજ મહિલા ચિંતાતુર બની. રાત્રિનો સમય…હવે કયાં જવું… રેલ્વે સ્ટેશનેથી બહાર નીકળી તે રીક્ષામાં બેઠી રાત્રે 1 વાગે ભુજ બસપોર્ટ મધ્યે પહોંચી. રાતભર ભુજનાં એસ.ટી. બસ સ્ટેશને
બેઠી રહી.
સવાર થતાં જ રીક્ષા ચાલકો અલ્તાફ ઘાંચી, મોશીન રાઠોડ તથા કાસમ હિંગોરજા આ હિન્દુ મહિલાની મદદે આવ્યા હતા. રીક્ષામાં બેસાડી તેને હેમખેમ માનવજ્યોત કાર્યાલયે પહોંચાડી હતી. સંસ્થાનાં સંચાલક પ્રબોધ
મુનવરે મહિલાની પૂછપરછ કરી તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય અપાવ્યું હતું.
મહિલાએ પ્રથમ તે નેપાળની હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેનાં પાસેથી મળેલી માહિતીનાં આધારે વેસ્ટ બંગાલ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર-પરિવાર શોધી કાઢ્યા હતા.
આ મહિલાનાં લગ્ન થઇ ગયા હતા. ત્યાર બાદ પતિ-પત્નીનાં સંબંધોનો અંત આવતાં તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો. અને 3 વર્ષથી તે ખૂબ જ દુઃખી બની રઝળી-ભટકી રહી હતી. આખરે માનવજ્યોતનાં પ્રયત્નોથી
તેનાં ઘર-પરિવાર શોધી કઢાતાં પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો ભુજ આવી આ મહિલાને તેડી જવા સહમત થયા હતા. ત્રણ વર્ષ પહેલા પરિવારજનોએ ગુમ નોંધ પણ દર્જ કરાવી હતી.
માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ સહભાગી બન્યા હતા.

