ઉત્તરપ્રદેશનાં અલ્લાહબાદ જીલ્લાનાં ભૈયા ગામનો યુવાન જાનચંદ્ર દયાશંકર ઉ.વ. ૨૦ છેલ્લા ૩ વર્ષથી ગુમ થયો હતો. પરિવારજનો એ તેની સતત શોધ ચલાવી હતી. આખરે તે રખડતો ભટકતો રેલ્વે મારફતે ભુજ આવી પહોંચ્યો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે મોકલી તેની સારવાર શરૂ કરાવી હતી. તે જલ્દી સ્વસ્થ બન્યો હતો.
સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્ષાએ ઉત્તરપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનો પરિવાર શોધી કાઢ્યો હતો. યુવાનનાં માતા અને કાકા તુરત ભુજ આવી પહોંચ્યા હતા.
માતા અનારકલી અને કાકા તેને મળતાં જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. દરેકની આંખોમાં આંસુ વહ્યા હતાં.આખરે ૩ વર્ષ પછી યુવાન પોતાનાં ઘરે પહોંચ્યો છે. માનવતાનાં આ કાર્યમાં રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, ઇરફાન લાખા સહયોગી બન્યા હતા.

