૮ માનસિક દિવ્યાંગોએ કર્યું ઘર તરફ પ્રયાણ. માનવજ્યોતે ૧૧૭૮ માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડ્યા.

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી સ્વસ્થ બનેલા ૭ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં-૧ મળી ૮ માનસિક દિવ્યાંગોએ ઘર તરફ પ્રયાણ કર્યું હતું.

તેઓને શુભેચ્છા પાઠવવા યોજાયેલ કાર્યક્રમનું અધ્યક્ષપદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચિફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલસાહેબે જયારે અતિથિવિશેષપદ ઘનશ્યામભાઇ માવજી ટપરીયા, રઘુવીરસિંહ પી. ઝાલા, લાખુભા એન. જાડેજા, ઝીંકડીનાં માવજીભાઇ આહિર, રમજાનભાઇ મમણ તથા શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતના શ્રી દયારામભાઇ સુબડે શોભાવ્યું હતું.

પ્રારંભે સંસ્થાનાં મંત્રી શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ સૌને આવકાર આપ્યો હતો. શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ પ્રસંગ મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ જરૂરતમંદ લોકો સુધી પહોંચી છે. જેનો આનંદ છે.

અંજારનાં શ્રી દયારામ મારાજે માનસિક દિવ્યાંગો માટે થઇ રહેલા સેવાકાર્યને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે, રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય અદ્ભુત છે.

ઘરે જઇ રહેલા માનસિક દિવ્યાંગોને જજ શ્રીનાં વરદ્ હસ્તે ખેસ પહેરાવી તથા જયાબેન મુનવર અને મહિલા મંડળો દ્વારા કુમકુમ તિલક કરી હાર પહેરાવી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન.પટેલસાહેબે જણાવ્યું હતું કે, કર્મ તમે ક્યાંક સારૂં કરતા હો અને આવાને આવા કર્મથી ભગવાન રાજી રહે છે. અને એનાં થકી આપણા ઉપર આવતા સંકટો હળવા થઇ જાય છે. હૃદયથી કરેલું કાર્ય કયારે પાછું પડતું નથી. ભારતનાં દરેક રાજ્યોનાં જસ્ટીશશ્રીઓની ઉપસ્થિતિમાં ભુજ મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં પણ કચ્છનાં પોગ્રામની નોંધ લેવામાં આવી હતી. કર્મ બે પ્રકારનાં હોય છે. નિઃસ્વાર્થ અને સ્વાર્થ, પણ નિઃસ્વાર્થ ભાવે કરેલા કાર્યનું ફળ હંમેશા મળે છે. પૈસા-સમય-મન- ઉપસ્થિતિ માટે આપેલ ભોગ પણ ઉગી નીકળે છે. સંસ્થાએ કરેલ કાર્યોને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે પાલારાથી શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત સુધી જઇ રહેલા માનસિક દિવ્યાંગોનાં વાહન ભાડા ખર્ચ અને માર્ગ ખર્ચ માટે દાતાશ્રી ઘનશ્યામભાઇ માવજી ટપરીયા વાપ્કો કન્સ્ટ્રકશન નૈરોબી-કેન્યા- કેરા દ્વારા રૂા. ૨૫ હજારનું અનુદાન અપાયું હતું.

માનવજ્યોત સંસ્થાની પ્રવૃત્તિઓને વેગ આપવા દાતાશ્રી હરીશભાઇ લાલજી રાબડીયા, કમલેશભાઇ હરીશ રાબડીયા પરિવાર ગોડપર દ્વારા એક લાખ પંદર હજારનું અનુદાન અપાયું હતું.

આસામ,નૈપાળ, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, બિહાર, કેરાલા રાજ્યોમાંથી રખડતા-ભટકતા ૮ માનસિક દિવ્યાંગો કચ્છમાં પહોંચ્યા હતા. જેમને સ્વસ્થ બનાવી માનવજ્યોત સંસ્થાએ શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત સુધી પહોંચાડ્યા હતા. જ્યાંથી શ્રદ્ધા ફાઉન્ડેશન દ્વારા દરેકને પોતાનાં રાજ્ય-ગામ અને ઘર સુધી પહોંચાડવામાં આવશે. અને પરિવારજનો સાથે વર્ષો પછી ફેર મિલન થશે. આ દરેકનાં સી.બી.સી., એચ.આઇ.વી., આર.ટી.પી.સી. આર. તથા પોલીસ રિપોર્ટ કરાવવામાં આવેલ. તેમજે વેકસીનનાં બે ડોઝ પણ સમયાંતરે અર્બન હેલ્થ સેન્ટર ભુજ દ્વારા લગાડવામાં આવેલ.

છેલ્લા પાંચ વર્ષમાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી ૫૨૫ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર સુધી પહોંચ્યા છે. જયારે માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં ૧૧૭૮ માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડી દીધા છે.

કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે, જયારે આભાર દર્શન શંભુભાઇ જોષીએ કરેલ. વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, દિપેશ શાહ, રમજાનભાઈ મમણ,પ્રવિણ ભદ્રા, મુળજીભાઈ ઠક્કર, પંકજ કરૂવા તથા વિવિધ મહિલા મંડળોએ સહકાર આપ્યો હતો.