કોરોના કાળનાં કપરા બે વર્ષ પૂરા કર્યા બાદ તેમજ અનેક મુશ્કેલીઓનો સામનો કરી અનેક પ્રસંગો, ઉજવણીઓને રદ કરી મુલત્વી રાખ્યા બાદ લગ્નોની મોસમ શરૂ થતાં જ અનેક પરિવારો સમયસર લગ્નોત્સવ પૂરા કરવા આગળ આવ્યા છે. અને લગ્નોની નાની-મોટી ઉજવણી કરી રહ્યા છે. સમુહલગ્નો, સમાજવાડીઓમાં યોજેલ લગ્નો તથા અનેક પરિવારોએ ઘરે લગ્નો ઉજવ્યા છે. છેલ્લા ૪ દિવસમાં માનવજ્યોત સંસ્થાને રસોઇ વધી પડ્યાનાં ૬૧ ફોન આવ્યા હતા. સંસ્થાએ આ રસોઇ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે વિતરણ કરતાં ૧૦ હજારથી વધુ ગરીબો ભરપેટ જમ્યા હતા. તેમનો જઠારાગ્નિ ઠરતાં તેઓએ અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા.
ભુજ, રતનાલ, માધાપર, મીરઝાપર, કંઢેરાઇ, વરલી, ગોડપર, દહીસરા, કોટડા ચકાર, લાખોંદ, પદ્ધર, કુકમા, કાળી તળાવડી, ભુજોડી, માનકુવા, સુખપર, નાગોર, સુમરાસર, બળદીયા, ચાંદોડા વિગેરે ગામોની સમાજવાડીઓએ વધી પડેલી રસોઇ માનવજ્યોતને આપતાં આ રસોઇ ભુજ આસપાસની ઝુંપડપટ્ટી, ભુંગાઓમાં રહેતા ગરીબો સુધી પહોંચી હતી.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, દીપેશ શાહ, જયેશ લોડાયા, દીપેશ ભાટીયા, અક્ષય મોતા તથા સર્વે કાર્યકરોએ સંભાળી હતી.

