નિયામકશ્રી આયુષ ગાંધીનગર અને આયુર્વેદ શાખા કચ્છ જીલ્લા પંચાયત ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થાના સહકારથી કોરોના સામે રક્ષણ મેળવવા તેમજ શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ વધારવા અનેક ઔષધિઓથી ભરપૂર “શમશની વટી, આયુર્વેદીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરાયું છે.
જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પવનકુમાર મકરાણીએ “શમશની વટી, આયુર્વેદીક ગોળીઓ વિતરણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ડો. પ્રતિક્ષાબેન પવાર, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની, ઇલાબેન વૈષ્ણવ, આરતી જોષી ઉપસ્થિત રહી વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.
જિલ્લા આયુર્વેદીક અધિકારી શ્રી પવનકુમાર મકરાણીએ જણાવ્યું હતું કે, આ ગોળીઓ રોગપ્રતિકાર શક્તિ વધારવા ખૂબ જ ઉપયોગી બની રહી છે. માનવજ્યોત કાર્યાલય, લોહાર ચોક, ભીડ ગેટ ભુજ તથા માનવજ્યોત કલ્પતરૂ,વિજયનગર સ્થળેથી આગોળીઓનું નિઃશુલ્ક વિતરણ થઈ રહ્યું છે.

