ઉત્તર પ્રદેશનાં પિતા-પુત્રનું બે વર્ષે થયું મિલન

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનાં દેવાર ગામનો ૩૦ વર્ષિય યુવાન મોહમદ હલીમ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાંથી થઇ તે અચાનક ભુજ સુધી પહોંચ્યો હતો. અને માંડવીનાં દરિયા કિનારા વિસ્તાર સુધી પહોંચ્યો હતો.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને તે માંડવીથી મળ્યો હતો. માંડવીથી તેને ભુજ લઇ આવી માનવજ્યોત સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે રાખી ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારવાર કરાવતાં તે માત્ર બે મહિનામાં સ્વસ્થ બન્યો હતો.

માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્મા તથા ગુલાબ મોતાએ યુ.પી. પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢ્યું હતું. તેનાં પરિવારજનોને સંદેશો પહોંચતા જ તેના પિતા સમાસુબહક તેને લેવા ભુજ સુધી આવી પહોંચ્યા હતા. પિતા-પુત્રનું બે વર્ષે મિલન થતાં બંને એક-બીજાને ભેટી પડ્યા હતા. અને બંનેની આંખોમાં આંસુ વહ્યા હતા. બે બાળકોનો પિતા આખરે તેનાં ઘર અને પરિવાર સુધી પહોંચ્યો છે. માનવતાનાં આ કાર્યમાં કિશોરભાઇ કેનિયા, વિનોદ મારાજ તથા ઇરફાન લાખા સહભાગી બન્યા હતા.