લીંબોડી બિજારોપણ કરી, વૃક્ષ ઉછેર કરી, પર્યાવરણને બચાવીએ કોટી વૃક્ષ અભિયાન- બીદડા

માનવ સેવાનાં વિવિધ ક્ષેત્રે વિવિધ દાતાઓ અને સંસ્થાઓનાં સહયોગથી પ્રકૃતિ અને સમાજનો ઋણ અદા કરવાનાં વિવિધ કાર્યોમાં નમ્ર સેવા આપી રહેલ વિવિધ સંસ્થાઓ પર્યાવરણ ક્ષેત્રે પણ અનુદાન આપવા નમ્ર પ્રયાસ કરી રહી છે. કારણ કે આજે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ના પ્રશ્ને જબરી ચિંતા ઊભી થઈ છે. એટલે માનવ સેવાનાં ક્ષેત્રમાં કાર્ય કરતી
પ્રત્યેક સંસ્થાઓએ આ કાર્યમાં પોતાનું સહયોગ આપે એ જરૂરી છે. કોટીવૃક્ષ અભિયાન તથા માનવજ્યોત દર વર્ષે આ પ્રયોગ કરે છે.

સમગ્ર સમાજમાં જાગૃતિ લાવવા શિક્ષણ ક્ષેત્ર ઘણું જ મહત્વનું અંગ છે. ગત વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે અપૂર્વ જાગૃતિ આવવાથી પર્યાવરણ ક્ષેત્રે અદભૂત કાર્યો થયા છે. શાળાઓમાં ઈકો કલબ યોજના દાખલ કરવાથી ગામોનાં સરપંચો અને વાલી મંડળ પણ પર્યાવરણની પ્રવૃત્તિમાં સામેલ થતાં શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ કાર્યથી સુંદર પ્રેરણા મળી છે. જેથી
કચ્છની ઘણી બધી શાળાઓમાં વૃક્ષારોપણ, શાકભાજીનાં માટે જમીન સ્વસ્થ કરી બીજ રોપણ, ગ્રામ સફાઈ, વિગેરે નેત્રદીપક કાર્યો થઈ શક્યા છે.

કચ્છ જીલ્લામાં વૃક્ષોનું પ્રમાણ વધતાં દર બે-ત્રણ વર્ષે પડતો દુષ્કાળ છેલ્લા આઠ વર્ષથી દેખાયો નથી. અને આ વિનાશકારી દુષ્કાળ હંમેશને માટે વિદાય લે એ માટે હજી કચ્છમાં વૃક્ષોનું પ્રમાણ વધારવાની સખત જરૂરત છે. સખ્ત ગરમીથી બચવા વૃક્ષારોપણ અત્યંત જરુરી છે.

વૃક્ષ ઊછેર કરવો એ નાના બાળકોને ઉછેરવા જેવી વાત છે. વૃક્ષ ઊછેરવા માટે એનું સંરક્ષણ અને માવજતની જરૂરત છે, જે ખરેખર સહેલુ કામ નથી. કચ્છ જીલ્લામાં કુદરતે ચારે બાજુ ગાંડા બાવળની ચાદર બિછાવી દીધી છે. કુદરતે સર્જેલી સમગ્ર વનસ્પતિ સૃષ્ટિઆપણાં માટે ખૂબજ ઉપયોગી હોય છે. ફક્ત આપણને એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. ગાંડા બાવળને ગાંડો કરીને વગોવવા કરતા એને ડાહ્યો બનાવીને સમાજ ઉપયોગી બનાવી શકાય છે. સફળ સાબીત થયેલા પ્રયોગો ઉપરથી જાણી શકાયું છે કે, ગાંડા બાવળની વચ્ચો વચ્ચ બે-ચાર લીંબોડી અથવા અન્ય વૃક્ષોનાં બીજવાવી દેવાથી (પી.વી.સી. નાં પાઈપ વડે) એ પોતાની મેળે ઊગી નીકળે છે. એ બીજને ગાંડા બાવાળમાંથી ભેજ અને રક્ષણ મળવાથી આપણને કોઈ બીજી મહેનત કરવી પડતી નથી.

કચ્છ જીલ્લાનું શિક્ષણ ખાતું પર્યાવરણ ક્ષેત્રે હંમેશા આગળ પડતું ભાગ ભજવી રહેલ છે. કચ્છની દરેક શાળાઓ પણ આ કાર્યમાં જોડાઈ રહેલ છે. આ કાર્ય માટે ગામે ગામ મોટા પ્રમાણમાં લીંબોડીઓની જરૂરત રહે છે. કચ્છની બધી શાળાઓમાં લીંબોડી એકઠી કરવાનું કાર્ય થાય તો આ કાર્ય સમગ્ર કચ્છમાં પ્રસરી જાય. દરેક શાળાઓ પોતાના ગામના એક કિલોમીટર સુધી ગાંડા બાવળો વચ્ચે લીંબોડી છંટાવે. કચ્છમાં આપણે સૌ સાથે મળી પર્યાવરણ બચાવ સાથે વૃક્ષ ઉછેરનું કાર્ય આગળ
ધપાવી શકીએ. ચાલો આપણે આટલું કરીએ….

લીંમડાનાં વૃક્ષો ઉપરથી ખરતી લીંબોડીઓ એકઠી કરી લઈએ. તેને સૂકવી નાખીએ. સૂકી ગયેલી લીંબોડી બીજ ગાંડા બાવળો વચ્ચે છાંટી દઈએ. આપણાં ગામની માત્ર એક કિલોમીટર સુધીનાં વિસ્તારમાં જયાં જયાં ગાંડા બાવળો ઉગેલા છે. તેની બરોબર વચ્ચે આ લીંબોડી બીજ છાંટી દઈએ. પરિણામ એક-બે વર્ષ પછી દેખાશે. ગાંડા બાવળોની વચ્ચે લીંબડાનાં ઝાડ ઉગેલા દેખાશે. આ ઉગી નીકળેલા લીંમડાનાં ઝાડને આ ગાંડા બાવળ રૂપી ટ્રીગાર્ડનું સુરક્ષા કવચ મળે છે. ગાંડા બાવળોની વચ્ચે ઉછરી રહેલા વૃક્ષોને પશુઓ ખાશે નહીં. અને લીંમડાનાં વૃક્ષો મોટા થતાં જશે. લીંમડાનાં વૃક્ષને ઉછેરવા માટે બહુ માવજતની જરૂર નથી. ટૂંકમાં ગાંડા બાવળોનાં વૃક્ષો વચ્ચે વધુને વધુ લીંબોડીઓ છાંટીએ જેથી વધુને વધુ લીંમડાનાં વૃક્ષો ઉગી નીકળશે. આ કાર્યમાં કચ્છની દરેક સંસ્થાઓ જોડાય તેવી “કોટી વૃક્ષ અભિયાન’’ બિદડા સંસ્થાના
શ્રી એલ.ડી. શાહ દ્વારા અપીલ કરાઇ છે.