પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી ગરીબ, મજૂર અને શ્રમજીવી પરિવારો પણ આનંદ અને ઉલ્લાસથી કરી શકે તેવા ઉમદા માનવતાવાદી હેતુ સાથે માનવજ્યોત સંસ્થા, ભુજ દ્વારા સાડીઓ, નવાં વસ્ત્રો, મીઠાઈ, રાશનકિટ તથા ભોજન વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
માનવજ્યોત સંસ્થાના શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર દિવાળી પર્વ નિમિત્તે 2000 શ્રમજીવી મહિલાઓને સાડીઓ, 600 ગરીબ બાળકોને નવાં વસ્ત્રો, 500 બોક્સ મીઠાઈ તથા 100 જરૂરિયાતમંદ પરિવારોને રાશનકિટ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રંક બાળકો તથા ઝૂંપડપટ્ટીઓમાં વસતા ગરીબ પરિવારોને ભોજન કરાવવામાં આવશે. તેમજ 117 નિરાધાર વૃદ્ધ વડીલોને મિષ્ટાન સાથેનું ભોજન પીરસવામાં આવશે.
ભુજના ઉદારદિલ દાતાઓ દ્વારા માનવજ્યોત સંસ્થાને મોટી સંખ્યામાં ઉપયોગમાં લઈ શકાય તેવાં જૂનાં વસ્ત્રો અર્પણ કરવામાં આવી રહ્યાં છે. સંસ્થા દ્વારા આ વસ્ત્રોનું વર્ગીકરણ કરી ભુજની ચારે દિશાઓમાં આવેલી ઝૂંપડપટ્ટીઓ તથા ગરીબ વસાહતોમાં ઘરેઘરે જઈ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે.દિવાળીના દીવડાનો પ્રકાશ માત્ર સંપન્ન પરિવારોનાં ઘરોમાં જ નહીં, પરંતુ ગરીબોની ઝૂંપડીઓમાં પણ ખુશીઓનો ઉજાસ પાથરે, એ જ આ સેવાકાર્યનો મુખ્ય ઉદ્દેશ છે. નવા વસ્ત્રો, મીઠાઈ અને ભોજનથી વંચિત પરિવારોનાં ચહેરા પર સ્મિત લાવવાનો માનવજ્યોત સંસ્થાનો આ પ્રયાસ માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો છે.
જૂનાં પરંતુ સારી સ્થિતિમાં હોય તેવાં વસ્ત્રો માનવજ્યોત કાર્યાલય, ભુજ તથા કેરા કાર્યાલય ખાતે સ્વીકારવામાં આવે છે. કેરા ખાતે વસ્ત્રો અર્પણ કરવા સહદેવસિંહ જાડેજા મો. 9979179143 નો સંપર્ક કરી શકાશે. વિવિધ દાતાશ્રીઓના સહયોગથી હાથ ધરાયેલા આ માનવતાલક્ષી સેવાયજ્ઞમાં સહભાગી થવા ઇચ્છતા દાતાઓએ માનવજ્યોત કાર્યાલય, ભુજનો મો. 9913029800 અથવા ફોન નં. 224000 ઉપર સંપર્ક કરવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

