ઉત્તરપ્રદેશનો યુવાન 3 વર્ષ પછી દિપાવલી પર્વ પોતાનાં પરિવાર સાથે મનાવશે.

ઉત્તરપ્રદેશનાં ગોરખપુર વિસ્તારનાં પીપરાજ ગામનો યુવાન ધર્મેન્દ્ર ઉ.વ. 27 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધખોળ ચલાવી હતી. પરિવારજનો ચિંતાતુર બન્યા હતા.

ત્રણ વર્ષ પછી આખરે તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલ મધ્યે સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો.

આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢયા હતા. તેની માતા મીરાંદેવી તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા.

તેની માતાનાં જણાવ્યા મુજબ અમો પતિ-પત્નીનાં છુટાછેડા થઇ ગયા બાદ તેનાં પિતાનાં બીજા લગ્ન થઇ ગયા હોઇ પ્રશ્ર્ન ગુંચવાયો હતો. પણ માતાની પોતાનાં સંતાન પ્રત્યેની લાગણી તેને ભુજ સુધી લઇ આવી. હવે માતા પોતાનાં દીકારાની સંભાળ રાખશે. ત્રણ વર્ષ બાદ માતા-પુત્રનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. 3 વર્ષ પછી ગુમ પુત્ર ઘરે પાછો ફરતાં પરિવાર સાથે દિપાવલી પર્વ મનાવશે.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દીપેશ શાહ, કિશોરસિંહ જાડેજા, રાજુ જોગી સહભાગી બન્યા હતા.