મધ્યપ્રદેશનાં અલીરાજપુર વિસ્તારનાં કેવડી ગામની મહિલા ચંપા ઉ.વ. ૨૮ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. વિવિધ રાજ્યોનાં શહેરો-ગામડાઓમાં તે સતત રખડતી-ભટકતી રહી હતી. આખરે તે ગુજરતાના બાયડ શહેરનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવાશ્રમમાં પહોંચી હતી. ત્યાંના સંચાલકો અશોક જૈ ન, વિશાલ પટેલ, વિજય પટેલે તેની ખૂબ જ સારી સારવાર કરાવી.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનિયર પેરાલીગ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને સાથે ભુજ લઇ આવ્યા. મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી મહિલા ચંપાનું ઘર શોધી કઢાયું. સમાચાર મળતાં જ પરિવારમાં અનહદ ખુશી છવાઈ. પરિવારજનોએ વિડીયોકોલ દ્વારા ચંપા અંગે ખાત્રી મેળવી.
વાહન દ્વારા તેનો પતિ ગુજલા બારિયા, બે દીકરા, બે દીકરી, ભાઈ ભીમસીંગ, તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. વીશ-વીશ વર્ષનાં વાયરા વિતી ગયા હોવા છતાં ચંપાએ પરિવારજનોને નામ જોગ ઓળખી કાઢયા. સૌ ચંપાને ભેટી પડતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સૌની આંખો અશ્રુભીની બની. વીશ-વીશ વર્ષની મુશ્કેલીનો અંત આવ્યો.
પતિ-પત્ની, ભાઈ-બહેન, માતા-દીકરીનું બે દાયકા પછી મિલન થતાં પરિવારજનો ખુશ-ખુશાલ જોવા મળ્યા હતા. પતિ-પત્નીએ એકબીજાને હાર પહેરાવી હવે પછીની જિંદગી સાથે જીવવા નક્કી કર્યું હતું. ગરીબ પરિવારમાં અનહદ ખુશી છવાઈ હતી. ચંપા અત્યારે ૪૮ વર્ષની થઇ ચૂકી છે. ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં રહેતો પરિવાર વર્ષો પછી એક થયો હતો.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, ઉંમરશી ધુલ્લા, વેશુભા સોઢા, ગિરધરભાઈ સિંધી, સલીમ લોટા સહભાગી બન્યા હતા.