જરૂરિયાતમંદ 125 મહિલાઓને નવી નકોર સાડીઓ અર્પણ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સમાજસેવાના જરૂરિયાતમંદ પરિવારોની સહાય માટે સતત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તે જ અનુસંધાને દાતાશ્રી કીર્તિભાઈ વોરા (સમર્પણ સ્ટોર, ભુજ) ના ઉદાર સહયોગથી તેમજ રઘુવંશીનગર મહિલા મંડળ, ભુજ ના સાથ-સહકારથી રઘુવંશીનગર વિસ્તારમાં વસવાટ કરતી જરૂરિયાતમંદ મહિલાઓને નવી નકોર સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભાનુશાલી નગર પાછળ આવેલા રઘુવંશીનગરના ભુંગા, ઝુંપડા અને કાચા મકાનોમાં રહેતી આર્થિક રીતે નબળી મહિલાઓને આ પ્રસંગે કુલ 125 નવી સાડીઓ અર્પણ કરવામાં આવી હતી. નવી સાડીઓ પ્રાપ્ત થતાં મહિલાઓના ચહેરા પર ખુશીની લાગણી છવાઈ ગઈ હતી અને તેમણે દાતાશ્રી પરિવાર તેમજ આયોજન સાથે જોડાયેલા તમામ સેવાભાવીઓ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવી એ સાચી માનવસેવા છે. નાના-મોટા સહયોગથી અનેક પરિવારોના જીવનમાં ખુશીની ક્ષણો સર્જી શકાય છે અને સમાજમાં પરસ્પર સહકાર તથા માનવતાની ભાવના વધુ મજબૂત બની શકે છે.

સાડી વિતરણ કાર્યક્રમની સફળ વ્યવસ્થા માટે કીર્તિભાઈ વોરા, પ્રબોધભાઈ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, ગોવિંદભાઈ પાટીદાર, કનૈયાલાલ અબોટી, નિતીન ઠક્કર તથા રફીક બાવા એ જહેમત ઉઠાવી હતી. ઉપરાંત રઘુવંશીનગર મહિલા મંડળનાં માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી, સેજલબા ઝાલા, ઝંખનાબા પરમાર તથા આરતી જોષી એ પણ ઉત્સાહપૂર્વક સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવાના આવા સેવાકીય પ્રયાસો માનવતાની સુગંધ પ્રસારી સમાજને વધુ સંવેદનશીલ અને સહકારપૂર્ણ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.