દિવાળીના પર્વે વિદેશ સ્થિત દેઢીયા પરિવાર દ્વારા સેવાકર્મીઓના ચહેરા પર ખુશીની મીઠાશમાનવજ્યોત અને રામદેવ સેવાશ્રમ સહિત કચ્છની વિવિધ સંસ્થાઓના કર્મચારીઓને રોકડ રકમ, મીઠાઈ અને ફરસાણની ભેટ

દિવાળીના પાવન પર્વે સેવાકાર્યમાં સતત કાર્યરત કર્મચારીઓની દિવાળી પણ આનંદમય બને અને તેમના પરિવારોમાં ખુશીઓની મીઠાશ પ્રસરે તેવા ઉમદા ભાવ સાથે યુ.એસ.એ. સ્થિત ભુજપુર-કચ્છના દાતાશ્રી શ્રીમતી માયાબેન રમેશભાઈ મગનલાલ દેઢીયા પરિવાર દ્વારા માનવતાભર્યું સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. દાતાશ્રી પરિવાર દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થા તથા શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છના સ્ટાફ-કર્મચારીઓને દિવાળી નિમિત્તે રોકડ રકમ, મીઠાઈ અને ફરસાણ અર્પણ કરી પર્વની ખુશીઓમાં સહભાગી બનવામાં આવ્યા હતા.

દાતાશ્રી પરિવાર દ્વારા બંને સંસ્થાઓના તમામ સ્ટાફ કર્મચારીઓને રૂ. ૧,૦૦૦નું રોકડ કવર, એક કિલો મિક્સ મીઠાઈ તથા સવા કિલો ફરસાણની ભેટ આપવામાં આવી હતી. સેવાકાર્યમાં સમર્પિત કર્મચારીઓના યોગદાનને સન્માન આપવાની સાથે તેમના પરિવારો પણ દિવાળીના પર્વે આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરી શકે તેવા ભાવથી આ ભેટ અર્પણ કરવામાં આવી હતી.

દિવાળીના તહેવારની ખુશીઓ માત્ર પોતાના પરિવાર પૂરતી સીમિત ન રાખી સેવાકર્મીઓ સુધી પહોંચાડવાનો દાતાશ્રી પરિવારનો આ પ્રયાસ સરાહનીય રહ્યો હતો. આજ દાતાશ્રી પરિવાર દ્વારા કચ્છની વિવિધ સંસ્થાઓના કર્મચારીઓને પણ રોકડ કવર, મીઠાઈ તથા ફરસાણ અર્પણ કરી દિવાળીની ખુશીઓ વહેંચવામાં આવી હતી.

આ સમગ્ર વ્યવસ્થા વિનોદભાઈ પીઠડિયા, કિરણભાઈ ગોસ્વામી તથા ધવલ ગંગરે સંભાળી હતી. માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ દાતાશ્રી માયાબેન દેઢીયા પરિવારના સેવાભાવ, ઉદારતા અને કર્મચારીઓ પ્રત્યેના લાગણીસભર અભિગમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

દિવાળીના પર્વે સેવાકર્મીઓના જીવનમાં ખુશીઓનો પ્રકાશ પાથરતો દેઢીયા પરિવારનો આ સેવાભાવી પ્રયાસ સમાજમાં દાન, સહકાર અને માનવતાની ભાવનાને વધુ પ્રબળ બનાવે છે.