હિમાચલ પ્રદેશનાં કાગડા જિલ્લાનો યુવાન યોગરાજસિંઘ ઉ.વ. 33 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોનાં અનેક શહેરો, ગામડાઓમાં તે રખડતો-ભકતો રહ્યો હતો. ક્યાંક ભોજન નમળ્યું તો કયાંક રાત્રે સૂવા નમળ્યું.
આખરે તે રખડતો-ભટકતો ગુજરાતનાં આણંદ શહેરનાં માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની સારી એવી સારવાર સાથે સરભરા કરી.
કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીર શ્રી પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોતના સામાજીક કાર્યકર રીતુબેન વર્મા આણંદ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ તેડી આવ્યા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય આપવામાં આવ્યો. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલની સારી સારવારથી તે જલ્દી સ્વસ્થ બન્યો હતો. તેના પરિવારમાં તેના 11 ભાઇ-બહેનો હતા. પણ માતા-પિતા નહોતા.
છ ભાઇ-બહેનો કાગડા હિમાચલ પ્રદેશમાં રહે છે જયારે પાંચ ભાઇ-બહેનો પંજાબ રહે છે. તેના ભાઇઓએ કહ્યું અમે તેડવા પહોંચી શકશું નહીં. એની સાર-સંભાળ સાથે તેને રાખવા તૈયાર છીએ.
માનવજ્યોત સંસ્થાએ તેને તેનાં વતન હિમાચલ પ્રદેશ સ્થિત કાગડા જીલ્લાનાં એના ગામ સુધી પહોંચાડતા પરિવારમાં ખુશી છવાઇ હતી. આજે તે 55 વર્ષનો થઇ પોતાના ઘર સુધી પહોંચ્યો છે. વર્ષો પછી દિપાવલી પર્વ પોતાનાં પરિવાર સાથે મનાવશે.
માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, રફીક બાવા સહભાગી બન્યા હતા.

