૩ માસનાં પુત્રને મુકી ઘર છોડનાર મહિલા ૧૩ વર્ષ પછી મળી આવી પતિ-પત્નીનું થયું મિલન પતિ-પત્નીએ એકબીજાને હારારોપણ કરાવી મીઠું મોટું કરાવ્યું

બિહારનાં બગુસરાઇ વિસ્તારની યુવાન મહિલા ગૌતમકુમારી ઉ.વ. ૩૦ અચાનક ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતી-ભટકતી વર્ષ ૨૦૨૨ માં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ આશ્રમ મધ્યે પહોંચી હતી. જાં સંસ્થાનાં અશોક જૈન, વિશાલ પટેલ, વિજય પટેલ તથા આશ્રમનાં સંચાલકો અને કાર્યકરોએ તેની ખૂબ જ સંભાળ રાખી સારી સારવાર કરાવી હતી.

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનીયર પેરાલીગ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તેને બાયડથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી, ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં મનોચિકિત્સક ડોક્ટરશ્રીઓ પાસેથી સારવાર કરાવતા તે સ્વસ્થ બની હતી. રીતુબેન વર્માએ બિહાર પોલીસનો સંપર્ક કરી તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા.તેનો પતિ જીતેન્દ્રકુમાર તેને તેડવા તાબડતોબ ભુજ પહોંચ્યો હતો. તેનાં જણાવ્યા મુજબ તેને એક દીકરી અને દીકરો છે. પુત્ર ૩ મહિનાનો હતો ત્યારે ગૌતમકુમારીએ ઘર છોડ્યું. બાળકને ઉછેરવાની જવાબદારી પિતા ઉપર આવી પડી. પત્નીની ગેરહાજરીમાં પિતાએ દીકરીનાં પણ લગ્ન કર્યા. ગૌતમકુમારી ગુમ થયાને ૧૦ વર્ષ વિતતાં જ પરિવારજનોની સલાહ મુજબ તેને મૃત ઘોષિત કરી તેનું સારામણું કરી નાખવામાં આવ્યું. આખરે ૧૩ વર્ષ પછી ગૌતમકુમારી જીવિત મળી આવતાં પરિવારમાં બેવડી ખુશી છે.

તેનો પુત્ર ૧૩ વર્ષનો જ્યારે પોતે ૪૩ વર્ષની થઇ ચૂકી છે. પતિ-પત્નીનું ૧૩ વર્ષ પછી મિલન થતાં બંનેની આંખોમાં અશ્રુનો ધોધ વહ્યો હતો. માનવજ્યોતનાં આશ્રમની માનસિક દિવ્યાંગ મહિલા પણ તેને ભેટીને ઘરે પરિવાર પાસે જવા વિદાય આપી હતી. પતિ-પત્નીએ એકબીજાને હારતોરા કરી મીઠું મોઢું કરાવી હવે પછીની જિંદગી સાથે જીવવાનો એક-બીજાને કોલ આપ્યો હતો. માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, હિતેશ ગોરવામી, સંસ્થામાં ટ્રેનીગ મેળવી રહેલા સામાજિક કાર્યકરો મનીષા સોલંકી, પર્મિષ્ઠા સોલંકી, વંદના સોલંકી, મિતલ પરમારે સહકાર આપ્યો હતો.