ઝારખંડની મહિલાનું પતિ-પુત્રો સાથે છ વર્ષે થયું મિલન માતાને પુત્રોએ નવી સાડી-મંગલસુત્ર પહેરાવીને ઘરે લઇ ગયા યુવાન પુત્રો ભૂતાન-દીલ્હીથી માતાને તેડવા ભુજ સુધી પહોંચ્યા

ઝારખંડનાં ગુમલા જિલ્લાનાં કુરૂ ગામની ૬૦ વર્ષિય ઇન્દ્રી દેવી છ વર્ષ પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાંથી થઇ એક વર્ષ પહેલાં તે મોરબીનાં શ્રી યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટનાં આશ્રમ સુધી પહોંચી હતી. અહીં બાર મહિનાં તેની સારી સારવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેને મોરબીથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવેલ. ડો. મહેશભાઇ ટીલવાણીની સારી સારવારથી તે ૬૦ દિવસમાં સ્વસ્થ બની હતી. માનવ જ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઝારખંડ પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢ્યું હતું. ઝારખંડના પોલીસ ઇન્સપેકટર, પત્રકાર તથા સમાજ અધ્યક્ષે આ કાર્યમાં સહકાર આપ્યો હતો. પુત્ર અશોક ભૂતાન દેશમાં સર્વિસ કરી રહ્યો છે. જ્યારે બીજા પુત્ર સુરેશ દીલ્હીમાં સર્વિસ કરે છે. બંને પુત્રો સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર અને માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરનાં સંપર્કમાં રહી માતાને તેડવા ભુજ સુધી આવી પહોંચ્યા હતા. બંને પુત્રોએ માતાનાં પાયે પડી, માતાને ઝગમગતી કેસરી રંગની ઝરીવારી સાડી અને મંગલસુત્ર પહેરાવ્યા ત્યારે માતા પુત્રોની આંખોમાં આંસુનાં પુર વહ્યા હતા. બંને ભાઇઓએ માતાને કહ્યું હતું કે ઘરે પિતાજી રાહ જાઇ બેઠા છે. આખરે છ વર્ષ પછી માનવજ્યોત સંસ્થાનાં પ્રયત્નોથી પતિ-પત્ની તથા માતા-પુત્રોનું મિલન શકય બન્યું હતું. ઘર અને ગામમાં ખુશી છવાઇ હતી. માનવતાનાં આ કાર્યમાં કિશોરભાઇ કેનીયા, વાલજી કોલી, વિનોદ મારાજ, રાજુ જાગી, સાગર લાલકા, ઇરફાન લાખા, હિતેશ ગોસ્વામી બાબુલાલ જેપાલ, વિકાસ મેર સહયોગી બન્યા હતા.