આણંદ આશ્રમનાં 8 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજથી તેમનું ઘર શોધી આપી, પરિવાર સાથે મિલન કરાવાશે

માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ આણંદનાં 8 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો ભુજથી પોતાનાં ઘર સુધી પહોંચશે.

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને સેવાશ્રમ સ્થળે લાવી તેમનું રાજ્ય, શહેર, ગામ, પરિવાર શોધી આપી વર્ષો પછી પરિવાર સાથે ફેર મિલન. કરાવવાનું કાર્ય કરવામાં આવે છે.

માનવજ્યોતના પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આણંદ આશ્રમની મુલાકાતે ગયેલા. ત્યારે 8 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજ સાથે તેડી આવ્યા. જેમને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો છે.

આઠ પૈકી માત્ર 4 દિવસમાં એક માનસિક દિવ્યાંગ ભાઇનું ઘર,પરિવાર શોધી કઢાયા છે. હિમાચલપ્રદેશનો આ માનસિક દિવ્યાંગ બાવીસ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચશે. પરિવારજનો તેને તેડવા ભુજ સુધી આવી પહોંચશે. ગુજરાતની 9 સંસ્થાઓનાં 350 થી વધુ માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થાએ ભુજ લઇ આવી તેમને તેમનાં ઘર સુધી પહોંચાડી દીધા છે.