મધ્યપ્રદેશનાં નરસીપુર જીલ્લાનાં ગાર્ડરવાલા તાલુકાનાં કરૈયા ગામનો ૨૫ વર્ષીય યુવાન બચ્ચન શારદાપ્રસાદ કુશબા ૧૦ વર્ષ પછી જયારે તેની ઉંમર ૩૫ વર્ષ થઇ ચૂકી છે ત્યારે માનવજ્યોત સંસ્થાનાં સફળ પ્રયત્નોથી પોતાના ગામ ઘર અને પરિવાર સુધી પહોંચ્યો છે.
લગ્ન બે વર્ષ ટક્યા. પત્ની પિયરે ચાલી જતાં પોતે અમદાવાદનાં ગોતા વિસ્તારમાં મિલમાં કામે લાગ્યો અને ત્યાંથી અચાનક ટ્રેનમાં બેસી જુદા-જુદા રાજ્યોમાં સતત ૧૦ વર્ષ સુધી રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે તે અંજાર-કચ્છ શહેરમાં પહોચ્યો હતો. અંજારનાં માનવસેવા પ્રેમી શ્રી દયારામ મારાજને મળતાં તેઓએ તેને માનવજ્યોત સંસ્થા મુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચાડ્યો હતો. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ તેની રહેવા-જમવાની વ્યવસ્થાઓ સાથે મનોચિકિત્સક ડો. જે.વી.પાટનકર પાસેથી સારવાર કરાવતાં તે જલ્દી સ્વસ્થ બન્યો હતો.
સંસ્થાનાં સામાજિક કાર્યકર શ્રી બાબુલાલ જેપારે તેની પાસેથી મળેલી માહિતીનાં આધારે મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનાં પરિવારજનોને શોધી કાઢ્યા હતા. દશ-દશ વર્ષનાં વાયરા વીતી ગયા પછી બચ્ચન મળતાં પરિવારજનો ખૂબજ ખુશ થયા હતા. અને મધ્યપ્રદેશથી તુરત જ ભુજ આવવા રવાના થયા હતા.
તે ભુજનો માત્ર બે મહિનાનો મહેમાન બન્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં તેની ખૂબ જ શોધ ચલાવી પણ પરિવારજનોને નિરાશા સાંપડી. હવે તે જીવીત હશે કે નહીં… કોરોનાકાળમાં મૃત્યુ પામ્યો હશે. એવા વિચારો પરિવારને સતત સતાવતા રહ્યા. પરિવારજનોએ તે જીવીત હશે તેવી આશાઓ છોડી દીધી હતી. આખરે માનવજ્યોત ભુજથી ખુશીનાં સમાચાર આવતાં જ પરિવાર ઉપરથી ૧૦ વર્ષની આફત ટળી હતી. મોટાભાઇ ચંદ્રપ્રસાદ અને ભાઇ મહેરબાન પ્રસાદ તેને ગલે લગાવતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ત્રણેની આંખો અશ્રુભીની બની. માનવજ્યોત પરિવારનો આભાર માન્યો.
માનવતાનાં આ કાર્યમાં દયારામ મારાજ, પ્રબોધ મુનવર, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, પંકજ કુરૂવા તથા માનવજ્યોતની ટીમ સહભાગી બની હતી.

