રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગો કચ્છ પહોંચે ત્યારે આ તેમનું છેલ્લું સ્ટેશન

દેશભરમાંથી કચ્છ સુધી પહોંચતા માનસિક દિવ્યાંગો પોતાનું ઘર સુધી પહોંચી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા ભુજની સક્રિયતાના કારણે દેશભરમાંથી રખડી-ભટકી ભુજ સુધી પહોંચતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા તેમનાં ઘર સુધી પહોંચાડે છે.

વર્ષોથી રખડી-ભટકી રહેલા માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો જયારે ભુજ આવી પહોંચે ત્યારે આ તેનું છેલ્લું સ્ટેશન બની રહે છે. માનવજ્યોત સંસ્થા તેમનું ઘર-પરિવાર શોધી આપી તેમને તેમનાં શહેર,ગામ, પરિવાર સુધી પહોંચાડે છે. આ સેવાકાર્યને લોકો બિરદાવતા હોય છે.

દેશના વિવિધ રાજ્યોમાંથી અનેક મુશ્કેલીઓ વેઠી ટ્રેન,બસ, ટ્રક કે અન્ય કોઇ વાહનો અથવા પગે ચાલી માનસિક દિવ્યાંગો ભુજ સુધી પહોંચતા હોય છે. મેલા,ગંદા કપડા, લાંબા વાળ, દાઢી અને ભૂખ્યા, તરસ્યા આવા માનસિક દિવ્યાંગો કચ્છ સુધી આવી પહોંચતા, અને રસ્તે રઝળતા, માર્ગોમાં ભૂલ્યા ભટક્યા હાલતમાં માનવજ્યોત સંસ્થાને મળી આવતાં તેમની
અનેક પ્રકારે સેવા, સારવાર કરી તેને પરિવાર સાથે ફેર મિલન કરાવાય છે. વર્ષો પછી તેઓ પોતાના ઘર-પરિવાર સુધી પહોંચે છે ત્યારે પરિવારજનોની ખુશી બેવડાઇ જાય છે. પરિવારજનો અનેક ઘણી ખુશી વ્યક્ત કરે છે. વર્ષો પછી થતું મિલન સૌ કોઇની આંખો ભિની કરી દે છે.